Monday, 8 December 2014

વિકાસની દોટમાં મોદી સરકાર પર્યાવરણ નિયમોની અવગણના કરી રહી છે?

અમદાવાદ – ગુજરાતનું ઔદ્યોગીક શહેર વાપી એક સમયે દેશની પોલ્યૂશન ઇન્ડેક્સ પ્રમાણે સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં હતું. અહીં નવા ઉદ્યોગો શરૂ કરવા માટે કડક જોગવાઈઓ હતી અને આ માટે થઈને સ્થાનિક ઉદ્યોગપતીઓએ ભારે લડત પણ ચલાવી.
જોકે કેન્દ્રમાં મોદી સરકાર આવતા જ વાપીનું નસીબ પલટાયું. પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે પોલ્યૂશન ઇન્ડેક્સમાં સુધારા કરાશે, આ સાથે જ વાપીને પ્રતિબંધિત ઔદ્યોગીક વિસ્તારોમાંથી દૂર કરવામાં આવતા અહીંનો કેમિકલ ઉદ્યોગ ફરી ફૂલવા ફાલવા તૈયાર છે. આ ઘટના ભારતીય માધ્યમો માટે ખાસ ધ્યાનમાં નથી લેવાઈ, જોકે ચીનના ગ્લોબલ કેમિકલ રિપોર્ટમાં આ આખોય મુદ્દો ઉઠાવાયો છે.
ભારતના ઉદ્યોગો સતત ફરિયાદ કરતા આવ્યા છે કે પર્યાવરણને લગતા કડક નિયમોને પગલે દેશમાં ઔદ્યોગીક વિકાસ અટકી રહ્યો છે. વડા પ્રધાન પદના ઉમેદવાર એવા નરેન્દ્ર મોદીએ ચૂંટણી પૂર્વે દેશના ઔદ્યોગીક વિકાસ માટે આપેલા વચનનો પાળ્યા છે, તેઓ એક એક કરીને ઔદ્યોગીક વિકાસ માટેના દ્વાર ઉઘાડી રહ્યા છે. જોકે આવું કરવામાં તેઓ વૈશ્વિક પર્યાવરણ માપદંડોને નેવે મુકી રહ્યા છે તેવો દાવો વિદેશી મીડિયા કરી રહ્યું છે.
ગત સપ્તાહે આવા જ એક અન્ય અહેવાલમાં કહેવામાં આવ્યું કે સરકાર ઔદ્યોગીક વિકાસની લ્હાયમાં ધડાધડ નવા પ્રોજેક્ટોને માન્યતા આપી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉદ્યોગો અને પ્રપોઝલોના નિરક્ષણના તબક્કાઓની અવગણના પણ કરાઈ રહી છે.
દેશના પર્યાવરણવિદો પણ મોદી સરકારના આ વલણને લઈને ચિંતિત છે. તેમનું માનવું છે કે નવા પ્રોજેક્ટો માટેની લાલ રિબીન કાપવાની સાથે સાથે સરકારે આ તમામ પ્રોજેક્ટના યોગ્ય નિરીક્ષણ અને નિયમ પ્રણાલીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
એવા આરોપો થઈ રહ્યા છે કે સરકાર જૂની પર્યાવરણ નિયમાવલીને અવગણી રહી છે, જેમાં પાંચથી સાત જેટલી એજન્સીઓ દ્વારા કોઈ પણ પ્રોજેક્ટને માન્યતા મળતી.
મોદી સરકારના પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર આ પહેલા પણ કહી ચૂક્યા છે કે, નવા ઉદ્યોગોને મળતી ઝડપી મંજૂરી કંઈ નવી વાત નથી, આવું પહેલા પણ થતું. આ દરમિયાન ઓગસ્ટ માસમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બે દિવસની બેઠકમાં ૧૪૦ જેટલા પેન્ડિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં. આ બોર્ડના એક સભ્યના જણાવ્યા પ્રમાણે તેમણે પ્રત્યેક ફાઇલ પર માંડ ૧૫થી ૩૦ મિનિટનો સમય  ફાળવ્યો.

No comments:

Post a Comment