Wednesday, 31 December 2014

હિન્દુવાદી સંગઠનો દ્વારા મુંબઈ, અમદાવાદમાં ‘પીકે’નો વિરોધ


PK_poster_burning_Jammu_650

 હિન્દુવાદી સંગઠનોએ ફિલ્મ પીકેનો વિરોધ તીવ્ર બનાવતા આજે મુંબઈ અને અમદાવાદના થિયેટર માલિકોની ફિલ્મ નહીં પ્રદર્શિત કરવા ધમકાવ્યાની ઘટના સામે આવી છે.
દક્ષિણ મુંબઈના થિયેટર માલિકનો આરોપ છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના કાર્યકર્તાઓએ તેમને ફિલ્મ નહીં દર્શાવવા ધમકી આપી છે. તેમનું કહેવું છે કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, આથી હાલ પુરતા તેમણે ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવ્યું છે.
આ પૂર્વે અમદાવાદમાં પણ સિટી ગોલ્ડ મલ્ટિપ્લેક્સમાં તોડફોડ કરાઈ હતી. અહેવાલો પ્રમાણે ૪૦ કાર્યકર્તાઓનું ટોળું થિયેટરમાં ઘૂસી ગયું હતું. તેમણે બિલ્ડીંગના કાચ તોડીને ફિલ્મના પ્રસારણને અટકાવવાની માગ કરી હતી. આ કાર્યકર્તાઓએ અહીં નજીકમાં પીકે દર્શાવી રહેલા અન્ય એક થિયેટરને પણ નિશાન બનાવ્યું હતું.
સોશિયલ મીડિયામાં પણ ફિલ્મના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ટ્વીટર પર #BoycottPK અને #WeSupportPK હેશ ટેગ સાથે અસંખ્ય પોસ્ટ કરવામાં આવી છે.
વીએચપીએ આજે આ મુદ્દે માહિતી અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. આ તરફ ભોપાલમાં પણ બજરંગ દળના કાર્યકર્તાઓ ફિલ્મનો વિરોધ કરતા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
૧૯ ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ પીકેને દર્શકો તરફથી બહોળો પ્રતિસાદ છે. જોકે ફિલ્મમાં હિન્દુ ધર્મની માન્યતાઓને દર્શાવવામાં આવી હોઈ હિન્દુ સંગઠનો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. સેન્સર બોર્ડે પણ ફિલ્મમાં કથિત વાંધાજનક દૃશ્યોને હટાવવાની ના પાડી દીધી છે.

No comments:

Post a Comment