
દેશમાં હિન્દુ મૂલ્યોની પુનઃ સ્થાપના થશે એવો ભાર મૂકીને વિશ્વ હિન્દુ પરિષદે આજે કહ્યું છે કે તેણે દુનિયાને હિન્દુ ધર્મમાં કન્વર્ટ કરવાની ક્યારેય ઈચ્છા રાખી નથી, પણ દુનિયાનું દિલ જીતવાની જ ઈચ્છા રાખી છે.
અહીં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં વીએચપીના સિનીયર નેતા અશોક સિંઘલે કહ્યું કે હિન્દુઓએ છેલ્લા ૫૦ વર્ષથી કરેલા સંઘર્ષને લીધે તેમણે દિલ્હીમાં ગુમાયેલું સામ્રાજ્ય પાછું મેળવ્યું છે. આ સામ્રાજ્ય તેમને ૮૦૦ વર્ષ પછી પાછું મળ્યું છે.
સિંઘલે કહ્યું કે આપણી સંસ્કૃતિ અને ધર્મને કચડી નાખવામાં આવ્યા હતા અને હિન્દુઓએ તે માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. ૮૦૦ વર્ષ પછી આજે એ દિવસ આવ્યો છે જ્યારે આપણે કહી શકીએ છીએ કે આપણી સરકાર આવી છે જે હિન્દુત્વનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. આપણા મૂલ્યોની દેશમાં ધીમે ધીમે પુનઃ સ્થાપના થશે. આપણે એવો હિન્દુ સમાજ બનાવવા ઈચ્છીએ છીએ જે આ મૂલ્યોને આધારે વિશ્વના કલ્યાણ માટે કામ કરે… આપણે ક્યારેય દુનિયાને કન્વર્ટ કરવાની ઈચ્છા રાખી નથી, પરંતુ આપણે તેમના દિલ જીતવા માગીએ છીએ.
સિંઘલે દેખીતી રીતે હાલ ચાલી રહેલા ધર્મપરિવર્તન વિવાદના ઉપલક્ષમાં આમ જણાવ્યું હતું.
ભાજપની સરકારનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ ૧૨મી સદીમાં હારી ગયા તે પછી દિલ્હીમાં ફરી હિન્દુઓનું રાજ આવ્યું છે.
વલસાડમાં ૨૦૦ ખ્રિસ્તી પરિવારોનું ફરી હિન્દુમાં ધર્મપરિવર્તન
ગુજરાતના વલસાડ જિલ્લામાં ગઈ કાલે ૨૦૦થી વધારે ખ્રિસ્તી પરિવારોને ફરી હિન્દુ બનાવ્યાનો દાવો કરનાર વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન ઉપર વિરોધ પક્ષે આજે જોરદાર પ્રહારો કર્યા છે.
કોંગ્રેસના સિનીયર નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે અંગત રીતે મને ધર્મપરિવર્તન-વિરોધી કાયદા સામે કોઈ વાંધો નથી, કારણ કે વીએચપી અને બજરંગ દળ એ જ કરે છે – બળજબરી અને લાલચ આપીને ધર્મપરિવર્તન.
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ)ના નેતા ડી. રાજાએ કહ્યું છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી, પણ લોકતાંત્રિક પ્રજાસત્તાક છે.
દરમિયાન, ગુજરાત સરકારના પ્રવક્તા નીતિન પટેલે કહ્યું છે કે ગુજરાતમાં અનેક પરિવારોના લોકોને ફરી હિન્દુ ધર્મમાં સામેલ કરાયા હોવાની તેમને જાણ થઈ છે. ગુજરાત સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. લોકો પોતાની મરજીથી ધર્મપરિવર્તન કરે છે. તે છતાં જો તેઓ એમનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાયું હોવાની ફરિયાદ કરશે તો અમે જરૂર પગલા લઈશું.
ધર્મપરિવર્તન મામલે ભાજપના વલણ અંગે સ્પષ્ટતા કરતા પક્ષના નેતા શાહનવાઝ હુસેને કહ્યું છે કે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવાય તેની સામે અમારી પાર્ટીને વિરોધ છે, પણ સંસદમાં કાર્યવાહી અટકાવીને વિપક્ષનો કોઈ હેતુ નહીં સરે. જો વિપક્ષને ખરેખર ચિંતા હોય તો તેમણે ધર્મપરિવર્તન-વિરોધી ખરડા માટે સરકારને ટેકો આપવો જોઈએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે સરકારે સંસદમાં ધર્મપરિવર્તન વિરોધી ખરડો રજૂ કરવો જોઈએ. તેમણે કહ્યું છે કે જો સરકારને ધર્મપરિવર્તન જેવી પ્રવૃત્તિઓ પસંદ ન હોય તો તેણે સંસદમાં તે વિશેનો કાયદો લાવવો જોઈએ.
આ વિવાદ વીએચપી સંગઠને શનિવારે વલસાડ જિલ્લાના એક આદિવાસી ગામમાં ૨૦૦થી વધારે ખ્રિસ્તી પરિવારોના સેંકડો લોકોને ફરી હિન્દુ ધર્મમાં સામેલ કર્યા અને તેને ‘ઘર વાપસી’ કાર્યક્રમનો એક હિસ્સો ગણાવ્યો તેમાંથી થયો છે.
No comments:
Post a Comment