Saturday, 6 December 2014

બાબરી મસ્‍જીદ સંપત્તિ કેસના સમર્થનથી મારી ચાર પેઢીઓ પણ દૂર નહી હટેઃ અન્‍સારીની ગુલાંટ

અયોધ્‍યા, તા., ૬: બાબરી મસ્‍જીદ સંપત્તિ કેસના મુખ્‍ય દાવેદાર હાશીમ અન્‍સારીએ ગઇકાલે સ્‍પષ્‍ટ કહયું હતું કે, પોતે કોઇ પણ સંજોગોમાં આ કેસથી અલગ નહી થાય. મારી ઇચ્‍છા છે કે મારી હયાતીમાં આ કેસનો ઉકેલ આવી જાય. પરંતુ ફેંસલો કાનુન અને પુરાવાઓ આધારીત થવો જોઇએ શ્રધ્‍ધાના આધારે નહી.
   આ સમયે તેઓના પુત્ર ઇકબાલ અન્‍સારીએ કહયું કે મારા પિતાએ આખી જીંદગી બાબરી મસ્‍જીદ કેસનું સમર્થન કરવામાં નાખી વૃધ્‍ધાવસ્‍થાના લીધે હવે દોડધામ કરી શકતા નથી. પરંતુ હું, મારો પુત્ર, અને પૌત્ર આ કેસનું સમર્થન કરતા રહીશું. જીવન પર્યત કયારેય પણ પાછા નહી હટીએ.
   અત્રે એ નોંધનીય છે કે, બાબરી મસ્‍જીદ કેસથી અલગ થવાના હાશીમ અન્‍સારીના નિવેદનથી ગતીવિધિઓ તેજ બની ગઇ છે. હિન્‍દુ મુસ્‍લીમ સમાજમાં તેના મિશ્ર પ્રત્‍યાઘાત છે કેટલાકે તેને આવકારેલ છે ત્‍યારે જ મોમીન અન્‍સાર સભાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મો. અકરમ અન્‍સારી સમક્ષ હાશીમ અન્‍સારીએ કહયું કે હવે સમય આવી ગયો છે જે લોકો રાજકીય રોટલા શેકી રહયા છે તેને ઉઘાડા પાડવામાં આવે.
   જો કે બાબરી મસ્‍જીદ ધ્‍વંશની ર૬મી વરસીએ ગઇકાલે પોલીસની ફલેગ માર્ચ યોજાઇ હતી. ફૈઝાબાદ જીલ્લામાં ૧૪૪ મી કલમ લાગુ કરી દેવાઇ છે અને આજે યોજાયેલા તમામ કાર્યક્રમોની વિડીયોગ્રાફી થઇ રહી છે.
   સુરક્ષા વ્‍યવસ્‍થાને ૪ ઝોનમાં ૯ સેકટરોમાં ઉભી કરાઇ છે. એસ.એસ.પી. બી.કે.સિંઘના જણાવ્‍યા મુજબ એક એડીશ્નલ એસ.પી. ૬ ડીએસપી, રપ સબ ઇન્‍સ. ૧૦ ઇન્‍ચાર્જ પી.ઓ. ૧૦૦ કોન્‍સ્‍ટેબલો ઉપરાંત એક કંપની પુર રાહત, બે કંપની, આર.એ.એફ. ૭ કંપની પી.એ.સી.ની ગોઠવી દેવાઇ છે.
   રામજન્‍મ ભુમીના વિસ્‍તારના રેડ ઝોન અને યેલો ઝોન ઉપર હાજર ફોર્સને સાવચેતીની સુચના અપાઇ છે રેડ એકશન ફોર્સ અને પીએસીને તૈયાર રહેવા કહેવાયું છે.
   ગઇકાલથી જ વાહનો, હોટલો, સ્‍ટેશનો અને અવરજવર ઉપર ચાંપતી નજર રખાઇ છે. એ.ડી.એમ. ડો. અરવિંદ ચોરસીયાએ જણાવ્‍યું કે બાબરી મસ્‍જીદ વિસ્‍તારમાં સરઘસ સભા બંધી છે.
    બીજી તરફ પત્રકારોએ અયોધ્‍યા અને ફૈઝાબાદની મુલાકાતો લેતા જનજીવન સામાન્‍ય જોવા મળ્‍યું છે અને ભુતકાળમાં જે કાળો દિવસ કે વિજય દિવસના કાર્યક્રમો હિન્‍દુ-મુસ્‍લીમો તરફથી થતા હતા તે આ વખતે  દેખાતા નથી તેમ રાષ્‍ટ્રીય સહારાનો અહેવાલ જણાવે છે.
   અન્‍ય એક અહેવાલ મુજબ હાસીમ અન્‍સારીએ કેટલાક નેતાઓની ભુમીકા ઉપર સવાલ ઉઠાવતા આ વખતે પરિસ્‍થિતિ અલગ છે અને અયોધ્‍યામાં ૧૦ હજાર પોલીસોને ગોઠવી દેવાયા છે. બે ડઝન સીસીટીવી કેમેરા લગાડી દેવાયા છે. સખત નાકાબંધી કરાઇ છે.
   જયારે હાશીમ અન્‍સારીના પરિવારની સુરક્ષા વધારી ‘વાય કેટેગરી'ની કરી દેવાઇ છે અને ગઇકાલે હાશીમ અન્‍સારીને પત્રકારોથી દુર રખાયા હતા.(૪.૯)

No comments:

Post a Comment