જમ્મુ-કાશ્મીરની ચુંટણીમાં ભાંગફોડ કરવામાં નિષ્ફળ ગયેલા ISI અને તોયબા હવે ઓબામાની મુલાકાત પૂર્વે હુમલાની યોજના ઘડે છેઃ હાફીઝ-સઇદને ફરી ચળ ઉપડીઃ ર૬મીએ ત્રાસવાદી હુમલો કરવા ISI ના આકાઓ સાથે બેઠકો યોજી

નવી દિલ્હી તા. ૬ :.. રિપબ્લીક ડે એટલે કે ર૬ જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મુલાકાત પૂર્વે પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તોયબા ભારતમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આઇએસઆઇએ ૧પ૦ થી વધુ ત્રાસવાદીઓને ભારતમાં તબાહી મચાવવાનો હુકમ આપ્યો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આઇએસઆઇ અને તોયબા જમ્મુના અરનિયા સેકટરમાં ગત વર્ષ નવેમ્બરમાં હુમલાની અનેક યોજના બનાવી રહ્યાં હતા હુમલાને અંજામ આપવા માટે તોયબાના ૬૦ ત્રાસવાદીઓને પાકના સિયાલકોટમાં કેમ્પ લગાવીને બેઠા છે. બીએસએફને પણ ઇનપુટ મળ્યા છે કે ચેનાબ નદી થકી ત્રાસવાદીઓને સીઝફાયર તોડવાની આડમાં ત્રાસવાદીઓને ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યાં છે.
જમ્મુ-કાશ્મીરની તાજેતરની ચૂંટણીમાં આઇએસઆઇ અને તોયબા કોઇ ભાંગફોડ કરી શકયા નહોતાં. આ નિષ્ફળતાથી ઘાંઘા આઇએસઆઇએ હુમલાની યોજના બનાવી છે.
મુંબઇ પરના આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર હાફિઝ સઇદ પ્રજાસતાક દિવસે ભારતમાં ટેરરિસ્ટ અટેક કરવાનું કાવતરું લશ્કર-એ-તય્યબા સાથે મળીને ઘડી રહ્યો છે.
આ કાવતરાં પાર પાડવા માટે પાકિસ્તાન કબજા હેઠળના મીરપુર તથા કોટલી કેમ્પોમાં આતંકવાદીઓને ટ્રેઇનીંગ આપવામાં આવી રહી હોવાની માહિતી આપતાં સુત્રોએ જણાવ્યું હતું કે ર૬ જાન્યુઆરીએ ત્રાટકવા માટે જમ્મુ-કાશ્મીરમાંથી પ૦૦ આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનું ષડયંત્ર પણ રચાયું છે.
મીરપુર તથા કોટલીમાં ચારથી બાર ડિસેમ્બર સુધી આતંકવાદીઓને ટ્રેઇનીંગ આપવામાં આવી હતી. કોટલીમાં ૧૦, માનકોટમાં ૧૦ અને માનસેરામાં પાંચ કેમ્પોમાં વધુ કેટલાક આતંકવાદીઓને પણ તાલીમ આપવામાં આવી રહી છે.
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) તથા હાફિઝ સઇદ વચ્ચે આ કાવતરાં માટે છ બેઠકો યોજાઇ હતી. તે પછી પાકિસ્તાની સૈન્યના ત્રણ કમાન્ડરોને હાફિઝની સલામતી માટે ગોઠવવામાં આવ્યા છે. આઇએસઆઇના વડા રિઝવાન અખ્તરના પર્સનલ કમાન્ડર અસદ સૈફુલ્લાને પણ હાફિઝની સેવામાં લગાવવામાં આવ્યો છે.
સઇદના વિશ્વાસુ કમાન્ડર સલામ ઇસ્લામને સિયાલકોટમાં ગોઠવવામાં આવ્યો છે અને તેને સામ્બા તથા હીરાનગર સેકટરમાં આતંકવાદીઓ ઘુસાડવાની જવાબદારી સોંપવામાં આવી છે.
No comments:
Post a Comment