Wednesday, 24 February 2016

કાઠિયાવાડનો રોટલો

કાઠીયાવાડ માં તું કોક’દી ભૂલો પડને ભગવાન,
તું થા ને મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગ રે ભુલાવું મારા શામળા…



સાંભળો મિત્રો કે,,,
કાઠિયાવાડ નો રોટલો કેવો હોય ?
ભાવનગર પંથકનો બાજરો હોય.,,
કોળિયાક ગામ નાં દેરડી(કુંભાજી) ની ઘંટી હોય,,,
ખડસલિયા ગામના કુંભારે બનાવેલી તાવડી હોય,,,
અને એમાય હાથબ ગામની બાયુએ મધરાતે ઊઠીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ ઘંટીમાં નાખીને પ્રભાતિયાંના સૂરે ગાતાં ગાતાં દળ્યો હોય...
ઈમાંથી ધોબેક લોટ લઈ માટીની કાળી રીઢી કથરોટમાં નાખ્યો હોય,,,
પડખે છાલિયામાં ઓગાળેલા વડાગરા મીઠાનું પાણી લઈ લોટનો પીંડો બાંધ્યો હોય,,,
અને મા જેમ પહેલાં ખોળાના બાળકને હેતથી હુલાવતી હોય એમ પીંડાને બે હાથમાં લઈ રમાડતા રમાડતા રોટલો ઘડયો હોય,,,
અને તાવડીમાં નાખી ત્રાંબિયા જેવો શેડવ્યો હોય,,,
પછી ઈની કોપટી કાઢીને તાવણ્ય મૂકી હોય,,,
તો ત્રણ ત્રણ ઘર્યે જેની ફોરમ જાય ઈ નવચાંદરી ભેંસનું નખમાં ફાંહુ વાગે એવું ઘી ભર્યું હોય,,,
અમારા કાઠિયાવાડની વાડીના કાંટાળા રીંગણાનું ભડથું અને ગિરની દેશી ગાયના શેડકઢા દૂધની તાંહળી ભરીને મૂકી દીધી હોય,,,
ભગવાન ભોળિયો નાથ ત્યાંથી નીકળ્યો હોય ને બાવડું ઝાલીને ભોજનના ભર્યા થાળ માથે બેસાડી દીધો હોય,,,
તો એના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટી જાય.
ઈ ન્યા બેઠો બેઠો મા પાર્વતિજી ને સંદેશો કહેવરાવી દે કે "આપણને તો ભાઈ કાઠિયાવાડની ધરતી માથે ફાવી ગયું છે...
તમને મારા વિના ન્યાં કૈલાસ માં અણહરું લાગે તો તમે ય આંય વિયા આવો"...
આવો હોય કાઠિયાવાડનો રોટલો ભાઈ~ભાઈ...


અમથું કાઁઈ અમારુ કાઠિયાવાડ જગ આખા માં આટલું નથી વખણાતું હો મિત્રો,,,
આપ પણ કદિ ભૂલા પડો અને માણો અમારા કાઠિયાવાડ નાંરોટલા નો રસસ્વાદ..

No comments:

Post a Comment