ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાથી રસ્તા પર રઝળતી અટકશે? ગાયના પેટમાં જતું પ્લાસ્ટિક અટકશે?
ગાય અમારી માતા છે અને અમને તેના પ્રત્યે જરાય આદર નથી ગાય ભારતમાં અનેક વખત રાજરમત રમવાનું કારણ બનતી આવી છે. ફરી એક વખત ગાયના નામે હો-દેકારા શરૃ થયા છે પણ એમ કરવાથી ગાયને શું લાભ થશે?
પશ્ચિમના પત્રકાર લેખકો પહેલી વખત ભારતમાં આવે ત્યારે તેમને સૌથી પહેલું અચરજ ગાય અંગે થાય. ગાય એમણે જોઈ નથી એવુ નથી. ગાય તો આખી દુનિયામાં છે. પણ ભારતમાં ગાયો રસ્તા પર વિચરતી, બેરોકટોક ફરતી, ટ્રાફિક જામ કરતી જોઈને અચરજ થાય છે. એટલે પછી કેટલાક લેખકો પોતાના અહેવાલમાં લખે કે ભારતમાં ગાય ધાર્મિક રીતે પૂજાતી હોવાથી લોકો તેને રસ્તા પર રખડતી અટકાવતા નથી.
ભારતના લોકો માટે રસ્તા પરની ગાય નવાઈની વાત નથી. પણ દુનિયા તેને નવાઈની નજરે જૂએ છે. એટલે ગુજરાતમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ડિમાન્ડ થઈ અને ડિમાન્ડ માટે કોઈએ વખ ઘોળ્યું એ વાતનું પરદેશી મિડિયાને ભારે અચરજ થયું છે. ભારતના પણ અંગ્રેજી મિડિયાને ભારે સરપ્રાઈઝ થયું કે ગાય માટે કોઈ ઝેર કેમ પીવે? વાત તો અચરજની જ છે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર જ કરવી હોય તો એ માટે ઝેર પીવું એ ઉપાય નથી, આત્યંતિક પગલું છે.
વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને દર વર્ષે સેંકડો વાઘની હત્યા તેની ખાલ-અંગો માટે થાય છે. મોરની હત્યા મોર પીંછ માટે થાય છે. ગંગા રાષ્ટ્રીય નદી છે અને તેમાં મળ-મૂત્ર-લાશો વહેવડાવતા ભારતના લોકો શરમ અનુભવતા નથી. સત્યમેવ જયતે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે અને બહુદ્યા લોકો એ સુત્રને બાદ કરતાં ક્યાંય સત્ય બોલવાનું પસંદ કરતા નથી. તો પછી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાથી શું ફાયદો થશે? એ પહેલાં વિચારી લેવું જોઈએ.
ભારતમાં ગાય અનેક રીતે મહત્ત્વની છે. એક મહત્વ ધાર્મિક છે. બીજું મહત્ત્વ આર્થિક છે. એમાંય ખેડૂતોએ હજુ ગાયને સાચવી રાખી છે, પણ ગૌપાલક-પશુપાલક તરીકે ઓળખાતા કેટલાક સમાજે ગાય સાથે ભયંકર અન્યાય કર્યો છે અને કરી પણ રહ્યાં છે. શહેરમાં રહેતા લોકોને અનુભવ હશે, મોડી રાતે રસ્તા પર બાઈકો લઈને, મોઢામાં પાન-માવા ભરાવીને, પાછળ બેઠો હોય એ યુવાન એક તરફ પગ રાખીને હાથમાં ડાંગ લઈને,મોઢે મોબાઈલ ભરાવી ડોક ત્રાંસી કરીને ચાલુ ગાડીએ ગાઈને હાંકી જતો હોય છે. આપણી ગાય પ્રત્યેની મમતા એ એક જ દૃશ્યમાં આવી જાય છે. જ્યાં ગાય સાથે આ રીતે દૂધ વખતે હાંકી જવાનું અને આખો દિવસ રેઢી મૂકી દેવાનું વલણ અપનાવાતું હોય એ દેશમાં ગાયને રાષ્ટ્રમાતા ક્યા મોઢે જાહેર કરવી?
ગામડામાં ખેતી કરતાં ખેડૂતો ગાયો બાંધે, ખેતરમાં તેનો ઉપયોગ કરે અને હવે તો ગાય આધારિત ખેતી પણ થઈ રહી છે. એ ખેડૂતોના પ્રયાસો પ્રસંશનિય છે. એક સમયે લુપ્ત થવા પહોંચેલી ગીર ગાયને બચાવામાં અને તેનું સંવર્ધન કરવામાં પણ આપણને સફળતા મળી છે. એ માટે વિવિધ ગૌ સંગઠનો પણ અભિનંદનને પાત્ર છે. પણ બીજી તરફ ગાયોનો સ્વાર્થ પુરતો ઉપયોગ કરનારા, ગાયો પર એસિડ છાંટનારા, ગાયો માંદી પડે કે વૃદ્ધ થાય એટલે હાંકી કાઢનારા લોકોની કમી નથી.
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાને બદલે માત્ર ગાય તરીકે, પશુ તરીકે, એક સજીવ તરીકે મળવું જોઈએ એટલું માન આપીએ તો પણ ઘણું છે.
ગાયના શરીરમાંથી પ્લાસ્ટીકની કિલોગ્રામના હિસાબે માપી શકાય એવડી ગાંઠો નીકળે એવુ આપણા જ દેશમાં બને છે. ભારત ગાય માટે જાણીતો દેશ છે, એટલો જ ગાયની કતલ માટે પણ કુખ્યાત છે. ગૂગલમાં કાઉ સર્ચ કરો તો કેટલ આવશે અને કાઉ ઈન ઈન્ડિયા સર્ચ કરો તો ભારતમાં ગાયો કપાય છે, તેની વિગતો આવશે. એટલે કોઈ પરદેશી, દુનિયાના ખૂણે રહેતો વ્યક્તિ ભારતીય ગાયો અંગે સર્ચ કરવા પ્રયાસ કરે તો તેના મનમાં પહેલી છાપ ભારતની ગાયો કાપનારા દેશ તરીકેની પડયા વગર રહે નહીં. એ છાપ બદલી શકાય તો પણ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપ્યો ગણાશે.
શાસ્ત્રોમાં ગાયને કામધેનૂ કહી છે. કામધેનૂનું જતન કરવામાં આવે તો એ અનેક રીતે ઉપયોગી થઈ શકે. એટલે ગામડામાં કહેવાય કે તમે ગાયને સાચવો તો ગાય તમને સાચવી લેશે. એક સમયે તો ગાયને વેચતા પણ ખેડૂતોનો જીવ ચાલતો નહીં. હવે એ સમય વીતી ગયો છે. ગાયોનો વેપાર થાય ત્યાં સુધી તો ઠીક પણ ગાયો સાથે આપણા સૌનો દુર્વ્યવહાર વધી ગયો છે. ભારતમાં ગાયો કપાય છે, કતલખાના ધમધમે છે એવા મુદ્દાઓ વારંવાર ઉઠે છે. પણ એ સવાલ કેમ નથી થતો કે લોકો ગાયોને તરછોડવાનું બંધ કરી દે તો ગાયો કતલખાના સુધી પહોંચશે ક્યાંથી? કોઈ વેચે ત્યારે જ કતલખાનાને ગાય મળે છે ને? વેચવાનું બંધ કરો આપોઆપ ગાયની સેવા થયેલી ગણાશે.
એક સમયે ગુજરાતના મંત્રી મંડળે ગાયો પાળવાનું નીમ લીધું હતું. આજે તો ગાંધીનગરમાં એક પણ મંત્રીના આંગળે ગાય બાંધી હોય એવા દૃશ્યની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ જો સરકાર ગાયોનું ધ્યાન રાખવા ઈચ્છતી હોય તો દરેક મંત્રીએ ગાય પાલન શરૃ કરવું જોઈએ. તેનાથી ખબર પડે કે ગાયનો નીભાવ કરવો કેટલો મુશ્કેલ છે. ગાય નીભાવ તો પછીની વાત ગાય દોહતા આવડવી એ પણ એક કળા છે. જૂના જમાનામાં ખેડૂતોની નવી વહુઓને ગાય દોહતા ન આવડતું હોય તો તેમને શરમથી ડૂબી મરવું પડતું હતું. હવે દોહવા માટેના મશીનો ઉપલબ્ધ છે એટલે એ પ્રશ્ન હલ થયો છે.
ગાયનું ધાર્મિક મહાત્મ્ય કૃષ્ણના કારણે છે. હવે ૨૧મી સદીને નવા ગાયોનું ધ્યાન રાખી શકે એવા કનૈયાની જરૃર છે. ગીરમાં જોકે એક જગ્યાએ ચમત્કારીક રીતે ગાયની હાજરી છે. હકીકતે ગીરમાં ગાયનું પગલું છે. ખેતીપ્રધાન દેશમાં ગાયનું પગલું એ કોઈ જોવાની ચીજ નથી. પરંતુ એ પગલું અગ્નિકૃત ખડકોની બનેલી શિલા પર છે! પથ્થર પર પગલું કેવી રીતે હોઈ શકે? ગીરના જંગલમાં મેંદરડા પાસે મોટી ખોડીયાર અને નતાળિયા ગામો વચ્ચે આવેલી અડાબીડ વનરાજી વચ્ચે એક ખડક પર આ પગલું વર્ષોથી કોતરાયેલું છે. સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે કનૈયો ગાયો ચરાવવા અહીં આવતો હશે ત્યારે તેની ગાયોએ પાડેલા આ પગલાં પૈકીનું એક પગલું છે. અન્યથા કોઈ વ્યક્તિ ખડક પર કઈ રીતે પગલું પાડી શકે? પગલાની બાજુમાં કોઈ ગોવાળની મોજડી હોય અને લાકડી ટેકવી હોય એવા બે નિશાનો પણ હતાં. પરંતુ સતત વહેતા પાણીને કારણે એ બન્ને નિશાનો ઝાંખા થઈ ગયા છે.
પરંતુ ઈશ્વરના અસ્તિત્વની સાહેદી પુરાવતું હોય એમ આ પગલું અણનમ છે. જાતે જોયા પછી, પુરતી તપાસ કર્યા પછી એટલી ખબર પડે છે કે એ પગલું કોઈ બનાવી શકે એવુ છે નહીં. પથ્થર પર કોતરકામ કરીને કોઈ પગલું તૈયાર કરે તો આવો પરફેક્ટ આકાર થઈ શકે નહીં. પગલું જોતા એક પણ રીતે એ કૃત્રિમ હોવાનું લાગતું નથી. ભાગવતમાં પણ આ વિસ્તારમાં કાનુડો ગાયો ચરાવવા જતો હોવાનો ઉલ્લેખ છે. એટલે જ ખોડિયાર-નતાળિયા સહિતના ગામવાસીઓની શ્રદ્ધા એવી છે કે આ પગલાંઓ કાનુડાની હાજરી જ છે.
ગાય કે ભેંસ કે પછી કોઈ પણ પશુ? રાષ્ટ્રમાતા કે રાષ્ટ્રીય દરજ્જો ધારણ કરે એવી ડિમાન્ડ કરે તેનાં કરતા તેની જાળવણી થાય એવા પ્રયાસો થાય એ ઉચિત લેખાશે. રાજકોટમાં જે ગૌપ્રેમીઓએ રજૂઆત કરી, દવા પીધી એમની લાગણી સાચી, પણ રીત ખોટી છે. એ પ્રયાસને કારણે એક યુવાને કારણ વગર જીવ ગુમાવવો પડયો. તેના બદલે રસ્તે રઝળતી ગાયોને દત્તક લેવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવે તો પણ ગાયોની આંતરડી ઠરશે.
ગાયના નામે મત માગવાની નવાઈ નથી. અત્યારે સત્તા પર બેઠેલી કહેવાતી હિન્દુત્વવાદી, ગૌ પ્રેમી સરકારે ગાયના નામનો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે. વડા પ્રધાન બન્યાં પહેલા નરેન્દ્ર મોદી અને તેમના બીજા ઘણા સ્ટાર ચૂંટણી પ્રચારકો દેશમાં વધી રહેલા પિન્ક રિવોલ્યુશન (ગૌ માંસની નિકાસ-ઉત્પાદન)નો વિરોધ કરી રહ્યાં હતાં. અગાઉની સરકારોએ ગાયોની જાળવણી નથી કરી એવા આક્ષેપો-પ્રતીઆક્ષેપોનો મારો ચાલતો હતો. પણ આજે હકીકત શું છે?
આંકડાઓ બતાવે છે કે ભારતમાં ગાયોની કતલની સંખ્યા વધી રહી છે. ગૌ માંસની નિકાસનું પ્રમાણ વધી રહ્યું છે. અને સરકાર તો વધારે કતલખાનાઓ સ્થપાયતો પણ અટકાવે એમ નથી. કેમ કે મત મેળવવા માટે ગાયોનો ઉપયોગ કરવાનો હતો એ થઈ ગયો છે.
No comments:
Post a Comment