Saturday, 5 March 2016

યોગીની અહાલેકઃ રામમંદિર બનાવવા માટે મુખ્યમંત્રી બનાવો

ગત મહિને ગોરખપુરના યજમાનપદે યોજાયેલા ત્રણ મોટા સંમેલનોએ
 ભાજપ હાઈકમાન્ડ પર દબાણ વધાર્યું છે

ફેબુ્આરી મહિનામાં તેમણે ગોરખનાથ મંદિરના યજમાનપદે ત્રણ કાર્યક્રમો યોજાયા. ત્રણેય કાર્યક્રમોનો સૂર એક જ હતોઃ યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવા જોઈએ...




જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિવાદ વખતે ભાજપના તમામ ફાયરબ્રાન્ડ નેતાઓ ઉગ્ર નિવેદનબાજીમાં વ્યસ્ત હતા ત્યારે આવા બયાનો માટે વિખ્યાત એવા યોગી આદિત્યનાથ ચૂપચાપ ઉત્તરપ્રદેશની રાજનીતિમાં પોતાની સોગઠાંબાજી ગોઠવી રહ્યા હતા. ફેબુ્રઆરી મહિનામાં તેમણે ગોરખનાથ મંદિરના યજમાનપદે ત્રણ કાર્યક્રમો યોજાયા.

મહિનાના આરંભે ભારતીય સંત સભાની ચિંતન બેઠક મળી. એ પછી તરત જ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત મંડલેશ્વર સમારોહ યોજાયો અને તેનાં પછી ગોરખ વિશ્વ સંમેલન યોજાયું, જેમાં ગોરખનાથ સંપ્રદાયના સેવકો, અનુયાયીઓએ દુનિયાભરમાંથી હાજરી આપી. એ ત્રણેય કાર્યક્રમોનો સૂર એક જ હતોઃ હવે કોઈપણ સંજોગોમાં યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવા જોઈએ!

લોકસભાની ચૂંટણી ૨૦૧૪માં આવવાની હતી ત્યારે નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાં વાઈબ્રન્ટ સમિટ વગેરે હાઈ-પ્રોફાઈલ મેળાવડાઓના માધ્યમથી વડાપ્રધાનપદની પોતાની ઉમેદવારી મજબૂત કરવા માંડી હતી. બિલકુલ એ જ તર્જ પર યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં જ પાક્કું હોમવર્ક કરીને પોતાનું બ્રાન્ડિંગ કરી રહ્યા છે. હાલ તેમણે પોતાના હોમ ગ્રાઉન્ડમાં ભગવા નેજાંનો ઉપયોગ કર્યો છે. આગામી એપ્રિલમાં સર્વખાપ સંમેલન વડે તેઓ જાટ, ખત્રી, રાજપૂત, કુર્મી જેવી વિવિધ જ્ઞાતિઓમાં ય પેસારો કરવાનું આયોજન ધરાવે છે.

યોગી આદિત્યનાથ એ ઉત્તરપ્રદેશ માટેની મોદી-શાહ ફોર્મ્યુલામાં એકદમ ફીટ બેસતું વ્યક્તિત્વ છે. યોગી ઉંમરમાં ખાસ્સા યુવાન છે પરંતુ રાજનીતિના મંજાયેલા ખેલાડી છે. તેમની રાજકીય સફળતા જ્વલંત છે અને વિવાદો નોંતરવાની હોંશ પણ અનોખી છે. તેઓ જેટલા રાજકીય રીતે સફળ છે એટલું જ તેમનું બેકગ્રાઉન્ડ પણ પ્રભાવી છે એટલે નવા યુવાન ચહેરાને આગળ કરવાની મોદી-શાહની નીતિ જોતાં આદિત્યનાથ માટે ઉજ્જવળ તક રહેલી પણ છે.  

મુઝફ્ફરનગરના રમખાણો પછી હિન્દુ મતોનું ભાજપની તરફે ધુ્રવીકરણ કરવામાં યોગીને ભારે સફળતા મળી હતી, જેના મીઠાં ફળ ભાજપને લોકસભાની ચૂંટણીમાં ચાખવા મળ્યા. એ પછી યોજાયેલી પેટાચૂંટણીઓમાં યોગીને પ્રચાર અભિયાનના અધ્યક્ષ બનાવાયા. યોગીએ તેમાં પણ ભાજપનો સ્કોર સુધાર્યો. આથી હવે તેમની મહત્ત્વાકાંક્ષા આસમાની બનતી જાય તે સ્વાભાવિક છે.

ઉત્તરપ્રદેશ જેવા રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ રાજ્યમાં ભાજપની આંતરિક શતરંજ અને તેમાં યોગી આદિત્યનાથ માટેની તકો ચકાસતા પહેલાં યોગીનું બેકગ્રાઉન્ડ સમજવું જરૃરી બને છે. ખાસ કરીને તેમનો રાજકીય ઉદય અને વિકાસ સમજવાથી પણ તેમની આગામી સોગઠાંબાજીનો થોડોઘણો અંદાજ મેળવી શકાય છે.

પૂર્વ ઉત્તરપ્રદેશના છેવાડે આવેલું ગોરખપુર એ નાથ સંપ્રદાયના પ્રવર્તક ગુરુ ગોરખનાથની સિધ્ધભૂમિ મનાય છે. 'ચેત મછંદર ગોરખ આયા' એ કહેવત જેના પરથી પડી છે એ ગુરુ મત્સ્યેન્દ્રનાથ અને શિષ્ય ગોરખનાથે હિન્દુ ધર્મના બ્રાહ્મણવાદી કર્મકાંડો સામેના વિરોધ સ્વરૃપે ૧૧મી સદીમાં નાથ સંપ્રદાયની સ્થાપના કરી હતી. ગોરખનાથની સ્મૃતિમાં બે મઠની સ્થાપના કરવામાં આવી હતી. એક મઠ ગોરખપુરમાં અને બીજો નેપાળમાં.

નેપાળી ગોરખાઓ પણ પોતાને ગોરખનાથના અનુયાયી માને છે અને તેમનામાં અપાર શ્રધ્ધા ધરાવે છે. ગોરખનાથના અનુયાયી હોવાના કારણે જ તેઓ ગોરખા કે ગુરખા તરીકે ઓળખાય છે. ગોરખ શબ્દ ખરેખર તો ગોરક્ષ-ગાયોના રખેવાળમાંથી અપભ્રંશ થયેલો છે. મકરસંક્રાંતિએ ગુરુને ધરાવાતો ખીચડીનો મહાપ્રસાદ એ અહીંનો સૌથી મોટો પ્રસંગ મનાય છે. નેપાળના મહારાજા પણ અનેક વખત આ ઉજવણીમાં હાજરી આપી ચૂક્યા છે. ગોરખનાથ સમાધિસ્થળનો તમામ ખર્ચ નેપાળી રાજવંશ ઉઠાવે છે.

ગોરખપુર મંદિરને વિકસાવવામાં અને ખાસ તો આક્રમક હિન્દુત્વનું કેન્દ્ર બનાવવામાં મહંત દિગ્વિજયનાથનો સિંહફાળો હતો. તેમના અથાગ પ્રયાસોથી મંદિર આજે ૬૦ એકર વિસ્તારમાં પ્રસરેલું છે. દિગ્વિજયનાથના પટ્ટશિષ્ય અવૈદ્યનાથ મહંત બન્યા પછી તેમણે સક્રિય રાજનીતિમાં ઝુકાવ્યું અને ચાર વખત ગોરખપુરના સાંસદ બન્યા. અવૈદ્યનાથે પોતાની હયાતીમાં જ નવયુવાન અને તરવરિયા આદિત્યનાથને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધા હતા.

૧૯૭૨માં જન્મેલા આદિત્યનાથ જન્મે રાજપૂત છે. તેમનું મૂળ નામ અજયસિંઘ બિષ્ટ હતું. તેમના પૂર્વજો બિષ્ટ/તોમર ઘરાણાના જમીનદાર હતા અને ઉત્તરાંચલના ગઢવાલ પાસે દેવરિયા ખાતે તેમના પરિવારનો ટ્રાન્સપોર્ટનો બહુ મોટો કારોબાર છે. ભારતથી નેપાળના કાઠમંડુ તરફના ટ્રાન્સપોર્ટમાં તેમનો પરિવાર અગ્રેસર ગણાય છે. હેમવતીનંદન બહુગુણા કોલેજમાંથી વિજ્ઞાાનના સ્નાતક થયેલા અજયસિંહ વિદ્યાર્થી અવસ્થાથી જ રાજનીતિમાં સક્રિય હતા. બિષ્ટ સાખના તેમના પરિવારની પરંપરા અનુસાર દર બે પેઢીએ એક દીકરો ગોરખનાથ મઠને સોંપવામાં આવે છે. એ પરંપરાના ભાગ રૃપે અજયસિંઘે સંસારનો ત્યાગ કરીને નાથ સંપ્રદાયની દિક્ષા લીધી હતી અને પોતાની આવડત તેમજ મજબૂત પીઠબળને લીધે અનેક વરિષ્ઠ નાથસાધુઓને ઓવરટેક કરીને ગાદીપતિ મહંત અવૈદ્યનાથના પટ્ટશિષ્ય બની ચૂક્યા હતા. 

૧૯૯૮માં માત્ર ૨૬ વર્ષની વયે ગોરખપુર લોકસભા મતક્ષેત્રમાંથી ચૂંટાયેલા આદિત્યનાથ એ વખતે સૌથી યુવાન વયના સાંસદ હતા. એ પછી તેઓ ક્યારેય આ બેઠક પરથી હાર્યા નથી. ગોરખપુરના ગાદીપતિ તરીકેના પોતાના પ્રભાવનો હવે તેઓ રાજકીય પ્રભાવ વધારાવમાં પણ સુપેરે ઉપયોગ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં પૂર્વ ઉત્તરપ્રદેશ એક મહત્વપૂર્ણ હિસ્સો ગણાય છે અને આદિત્યનાથ આ વિસ્તારમાં ભાજપના બિનહરિફ ગણાય છે.

એક વાર ભાજપના હાઈકમાન્ડ સામે જ બળવાખોરી કરી ચૂકેલા આદિત્યનાથને રા.સ્વ.સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદનું મજબૂત સમર્થન મળતું રહ્યું છે. લોકસભાની ચૂંટણી પૂર્વે અમિત શાહને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા ત્યારથી યોગીની અને અમિતભાઈની કેમિસ્ટ્રી મેચ થવા લાગી હતી. આદિત્યનાથે લોકસભાની ચૂંટણીમાં અમિત શાહની રૃખ પારખીને આક્રમકતા અખત્યાર કરી અને મુખ્યત્વે સમાજવાદી પાર્ટીના મુસ્લિમ નેતા આઝમખાનને નિશાન બનાવ્યા હતા.

યોગી આદિત્યનાથે સાંસદ બન્યા પછી હિન્દુ યુવા વાહિની નામે સંગઠન બનાવ્યું છે. ગોરખપુર અને આસપાસના વિસ્તારોમાં આ સંગઠન ગ્રામ રક્ષા દળ તરીકે સ્વયંભૂ કાર્ય કરે છે અને હિન્દુ વિરોધી, રાષ્ટ્રવિરોધી તેમજ માઓવાદી પ્રવૃત્તિઓનો સામનો કરતું હોવાનું દાવો કરવામાં આવે છે. યોગીના આ સંગઠન સામે મુસ્લિમો પર હુમલા કરવાના, મસ્જીદો પાસે હુલ્લડ મચાવવાના વગેરે અનેક આરોપો મૂકાયેલા છે. ખુદ યોગી પણ આવા આરોપોથી બાકાત નથી, પરંતુ એ આરોપો જ તેમની લોકપ્રિયતાનું કારણ ગણાય છે. હવે એ જ કારણને યોગી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની ખુરશી સુધી લંબાવવાની વેતરણમાં છે.

હાલ તેમણે સંતસંમેલન અને ધર્મસભાના માધ્યમથી પોતાનું નામ ઉપસાવવાનો આરંભ કરી દીધો છે. રામમંદિરનો મુદ્દો તેમના માટે હાથવગો છે. કેન્દ્રમાં મોદી સરકાર છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ય આંશિક રીતે તરફેણમાં છે. એવે વખતે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર હોય અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી હોય તો રામમંદિરના નિર્માણ આડે કોઈ અડચણ રહે નહિ. આ તર્કને તેઓ મજબૂત રીતે સ્થાપિત કરીને પોતાની ઉમેદવારી આગળ ધરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ ભાજપના અન્ય કેટલાંક નેતાઓ પણ યોગીને મક્કમ હરીફાઈ પૂરી પાડી શકે તેમ છે. તેમાં વરુણ ગાંધીનું નામ પણ એક તબક્કે અગ્રેસર હતું. પરંતુ લોકસભાની ચૂંટણી પછી વરુણની મહત્ત્વાકાંક્ષા છતી થઈ જતાં અમિત શાહે તેમને કટ ટૂ સાઈઝ કરી દીધા છે. હવે લક્ષ્મીકાંત બાજપાઈ અને કલરાજ મિશ્ર હરીફાઈમાં છે. પ્રાંત અધ્યક્ષ તરીકે બાજપાઈની મુદત પૂરી થવામાં છે ત્યારે નવા પ્રાંત અધ્યક્ષની નિમણૂંક માટે ઉત્તરપ્રદેશમાં પણ ગુજરાતની માફક, કદાચ ગુજરાત કરતાં ય વધુ કટ્ટર જંગ લડાશે એ નિશ્ચિત છે. કારણ કે આગામી ચૂંટણીમાં સરસાઈ મેળવવામાં એ નિમણૂંકની જ ચાવીરૃપ ભૂમિકા હોવાની.

દરમિયાન, આદિત્યનાથે અગાઉ જ પોતાનું બ્રાન્ડિંગ કરવા માંડયું છે. ભાજપમાં કોઈ નેતા પોતાની જાતે મોટો થવા માંડે એ હાઈ કમાન્ડને પરવડતું નથી. પરંતુ એવું પણ કહેવાય છે કે આ પ્રકારના બ્રાંન્ડિંગને ભાજપ હાઈકમાન્ડના આશીર્વાદ છે. આદિત્યનાથના બ્રાન્ડિંગ દરમિયાન પક્ષમાં આંતરિક સ્તરે આવી શકનારી તમામ અડચણો સ્પષ્ટ થઈ જાય તો પ્રદેશપ્રમુખની વરણી અને પછી પ્રચાર અભિયાન વખતની વ્યુહરચના સરળ બની જાય એવી અમિત શાહની ગણતરી હોઈ શકે.

હવે ખરાખરીનો સમય શરૃ થઈ રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં રાજકીય સોગઠાંબાજી તીવ્ર બનવાની છે. યોગીની કૂકરી કોને ઊડાડે છે અને કઈ અણધારી કૂકરી ગાંડી થઈને ભાજપની વ્યુહરચના ખેદાનમેદાન કરી શકે છે એ જોવું રહ્યું.

Keywords news,focus,4,march,2016, Gujarat Samachar 

No comments:

Post a Comment