Saturday, 1 April 2017

ભગવાન રામને માન્યા હતાં રાજા તુલસીદાસે : આદિત્યનાથ

ગોરખપુરના પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાબા ગંભીરનાથ શતાબ્દીની પુણ્યતિથિ સમારોહમાં હિન્દુઓના પવિત્ર ગ્રંથ રામચરિત માનસના રચયિતા તુલસીદાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે પોતાના તત્કાલિન મુઘલ સમ્રાટ અકબરને ક્યારેય પોતાના રાજા માન્યા નહતાં. તેમણે કહ્યું કે તુલસીદાસે કહ્યું હતું કે તેમના બાદશાહ એકમાત્ર ભગવાન રામ છે, બીજુ કોઈ નહીં. યોગીએ એમ પણ કહ્યું કે ગોસ્વામી તુલસીદાસે આ અંગે એક નારો પણ આપ્યો હતો કે રાજા રામચંદ્ર કી જય. ઈતિહાસકારોના મત મુજબ મુઘલ બાદશાહ અકબર અને તુલસીદાસ સમકાલીન હતાં.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઈતિહાસમાં એવી ધારણા છે કે અકબર ઉદારવાદી રાજા છે, પરંતુ જ્યારે અકબરને ખબર પડી કે તેમના શાસનકાળમાં એક સંત એવા પણ છે કે જેઓ રામનો મહિમા ગાય છે અને લોકોની વચ્ચે ભક્તિનો સંચાર કરે છે ત્યારે અકબરે તે મહાપુરુષને પોતાના નવરત્નોમાં જગ્યા આપીને તેમની ભક્તિધારાને પ્રભાવિત કરવાનું વિચાર્યું હતું. આથી તેમણે પોતાના એક દૂતને તુલસીદાસ પાસે મોકલ્યા હતા અને કહ્યું કે તમને આ મુલ્કના બાદશાહ બોલાવી રહ્યાં છે. જેના પર તુલસીદાસે પૂછ્યું કે આ બાદશાહ કોણ હોય છે? તો અકબરના દૂતે કહ્યું કે તેઓ આ દેશના રાજા છે. જેના જવાબમાં તુલસીદાસે કહ્યું કે મારા રાજા માત્ર એક જ છે અને તે છે ભગવાન રામ. સીએમ યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે ત્યારબાદ તુલસીદાસજીએ એક નારો આપ્યો હતો જે અત્યારે પણ પ્રસિદ્ધ છે. આ નારો હતો રાજા રામચંદ્રની જય.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વિશ્વ વિજેતા રહી ચૂકેલા સિકંદર પણ પોતાની જાતને ભારતના બાદશાહ સાબિત કરવાની કોશિશ કરી હતી પરંતુ અહીંના સંતોએ તેમને પણ નકાર્યા હતાં. આ કાર્યક્રમમાં તેમણે બાબા ગંભીરનાથની પણ ચર્ચા કરી અને કહ્યું કે નિસ્વાર્થ સેવાના મામલે આવા સંતો બહુ ઓછા જોવા મળે છે. ભારતવર્ષમાં સંતોની એક ગૌરવશાળી પરંપરા રહી છે અને દેશવાસીઓએ હંમેશા આ પરંપરાનું સન્માન કર્યું છે.

No comments:

Post a Comment