રાષ્ટ્રીય અને રાજ્યોના ધોરીમાર્ગો પર શરાબની દુકાનો પર સર્વોચ્ચ અદાલતે લાદેલા પ્રતિબંધને આપણે આવકારવો જોઈએ. ભારતમાં વાહન હંકારવું એક જોખમી કૃત્ય છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ, ૨૦૧૫ના અહેવાલ અનુસાર વર્ષે લગભગ દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે, જે ભારતમાં મૃત્યુ અને રોગના ટોચના ૧૦ કારણોમાંથી એક છે. શરાબ સેવન કરીને ડ્રાઇવિંગને કારણે સૌથી વધુ વાહન અકસ્માતો સર્જાય છે. સર્વોચ્ચ અદાલતે લાદેલા પ્રતિબંધથી હજારો લોકોના જીવન બચશે અને વીમાનો ખર્ચ પણ બચશે.
એક અગ્રણી અંગ્રેજી અખબારના લેખમાં જણાવા યા મુજબ, જોકે થોડા પ્રશ્નો ઉઠાવાશે. કેવળ શરાબની દુકાનો પર જ શા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ અને વાઈન, વિસ્કી, બ્રાન્ડી વગેરે પીરસતા પરમિટ બારોને શા માટે બાકાત રાખવા જોઈએ જેમાં ૧૫થી ૨૦ ટકા આલ્કોહોલ હોય છે? કોઈપણ આલ્કોહોલ (મદ્યાર્થ પદાર્થ) પૂરતા પ્રમાણમાં પીવાય ત્યારે આંખોમાં ઝાંખપ સર્જે છે અને સ્નાયુઓને બૂઠાં કરે છે. તેથી, ધોરીમાર્ગો પરથી શરાબ સેવન માટેની તમામ સુવિધાને દૂર કરવી રહી.
સર્વોચ્ચ અદાલતના આદેશને પ્રભાવહીન બનાવવા માટે લિકર લોબી અગાઉથી પ્રયાસ કરી રહી છે. અનેક સ્થળે ધોરીમાર્ગોનો વહીવટ નગરપાલિકાઓને ટ્રાન્સફર કરવા માટેની હિલચાલો થઈ રહી છે, જેથી સર્વોચ્ચ અદાલતના પ્રતિબંધને ટાળી શકાય, જે કેવળ રાષ્ટ્રીય અને રાજ્યોના ધોરીમાર્ગોને લાગુ પડે છે. આ છટકબારીને બંધ કરવી જોઈએ. આલ્કોહોલ રસ્તા પર હાનિકારક છે, તો શું અન્યત્ર સુરક્ષિત છે? શું આલ્કોહોલ નિર્દોષ પીણું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ૨૦૦ પ્રકારના રોગો બદલ આલ્કોહોલને કારણભૂત ઠેરવે છે અને તેના કારણે વિશ્વભરમાં અંદાજે દર વર્ષે ૩૩ લાખ લોકો મૃત્યુ પામે છે અને કુલ ૧૪ લાખ જીવન વર્ષો ગુમાવાય છે. HIV કરતા આલ્કોહોલને કારણે વધુ લોકો મૃત્યુ પામે છે.
પરંતુ પ્રાસંગિકપણે એકાદ બે પેગ પીનારા લોકો વિશે શા માટે આટલો બધો ઊહાપોહ ? WHO સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ, ૨૦૧૫માં ઉલ્લેખ કરાયા મુજબ, ભારતમાં સંપૂર્ણ આલ્કોહોલનું સેવન વર્ષે પુખ્ત વ્યક્તિ દીઠ ૪૦૦થી ૫૦૦ ડ્રિન્ક છે. ભારતમાં માત્ર ૨૦ ટકા પુખ્ત વ્યક્તિઓ શરાબસેવન કરતી હોવાથી માથાદીઠ વાર્ષિક વપરાશે ૨,૫૦૦થી ૩,૦૦૦ ડ્રિન્ક થાય છે. જેઓ આલ્કોહોલનું સેવન કરે છે અને તેમની આસપાસના લોકો પર થતી અસર વિશે વિચાર કરો.
શરાબ સેવન માટે વ્યક્તિની પસંદગીના સ્વાતંત્ર્ય વિશે શું? વાત સાચી, પરંતુ આ મુક્ત પસંદગી કોણ કરે છે? મગજ કરે છે. આલ્કોહોલ વ્યક્તિના ભેજાને પ્રભાવિત કરે છે અને ડહાપણભરી પસંદગી કરવાની તેની કાબેલિયત સાથે બાંધછોડ કરે છે. પ્રથમ ડ્રિન્ક લીધાં બાદ આલ્કોલ આપણી પસંદ પર હુકમ ચલાવે છે, નહીં કે ભેજું ચલાવે છે. આલ્કોહોલના કિસ્સામાં મુક્ત પસંદગીનો વિચાર કાલ્પનિક છે. આલ્કોહોલ આપણી કાબેલિયતને છીનવી લે છે અને એ રીતે પસંદગી કરવાની આપણી સ્વતંત્રતાને હણી લે છે. આલ્કોહોલથી દૂર રહેવાની પસંદગી કરવાની આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરી શકાય છે.
ઉપરાંત, ત્રીજા પક્ષને થતી હાનિ પણ છે. શરાબ સેવન કરનારાઓની આસપાસના લોકો પત્ની, સંતાનો, પાડોશી, રસ્તા પર ચાલનારા અથવા વાહન હાંકનારા, સાથે કામ કરનારા અને શરાબી વ્યક્તિ પાસેથી સેવા મેળવનારા સામે પણ ગંભીર જોખમ છે. કલ્પના કરો કે પીધેલો ડોક્ટર અથવા પોલીસ અધિકારી તેના અસીલો સાથે કેવું વર્તન કરશે? ખ્યાતનામ હસ્તીઓ શરાબ પીવાની સ્વતંત્રતાનો ઉપયોગ કરે ત્યારે ફૂટપાથ પર સૂતા ગરીબોનું શું? દારૂબંધી સંબંધમાં, સરકારની ફરજ ભારતના બંધારણમાં સમાવિષ્ટ છે.
પરંતુ શું દારૂબંધીનો અમલ કરી શકાય? પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સરકારી નીતિ અને મઝહબ શરાબ વિરોધી છે. WHOના ૨૦૧૫ના આંકડા અનુસાર, ભારતમાં પાણી વગરના શુદ્ધ મદ્યાર્થનો વપરાશ પુખ્ત વ્યક્તિદીઠ ૪,૦૦૦ મિલીલિટર જ્યારે પાકિસ્તાનમાં ૧૦૦ મિલીલિટર અને બાંગ્લાદેશમાં ૨૦૦ મિલીલિટર છે. મુખ્યત્વે બૌદ્ધધર્મી મ્યાંમાર અને ભૂતાનમાં તે ૭૦૦ મિલીલિટર છે. ૨૬ દેશો જ્યાં સરકારો અને સંસ્કૃતિએ શરાબ વિરોધી મંતવ્ય અપનાવ્યું છે, ત્યાં ૧,૦૦૦ મિલીલિટરથી ઓછો છે. શરાબના વપરાશને સ્પષ્ટપણે નિયંત્રિત કરી શકાય. ભારતમાં મોટાભાગના ધર્મો- હિંદુ, ઇસ્લામ, શીખ, જૈન અને બૌદ્ધમાં શરાબ સેવનની મનાઈ છે. WHOના અહેવાલ અનુસાર ભારતમાં આજે પણ ૮૦ ટકા પુખ્ત વ્યક્તિઓ શરાબ નથી પીતી. જો સરકારી નીતિ અને પ્રયાસો આ સાંસ્કૃતિક પરિબળમાં પૂરક બને તો શરાબના હાલના વપરાશને ૭૫ ટકા સુધી ઘટાડીને માથાદીઠ ૧,૦૦૦ મિલીલિટર કરવાનું કદાચ અશક્ય નથી. શરાબ સેવનની સંસ્કૃતિ માટે જાણીતા ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશોએ પણ શરાબનો વપરાશ ત્રીજા ભાગ સુધી ઘટાડયો છે. રશિયા પંચાવન ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે.
શરાબનો વપરાશ ઘણું કરીને કદી શૂન્ય સ્તરે નહીં પહોંચે. પરંતુ ખરો પ્રશ્ન એવું પૂછવાનો નથી કે દારૂબંધી સફળ નીવડી છે કે પછી નિષ્ફળ પુરવાર થઈ છે, પરંતુ એ પૂછવાનો છે કે શું દારૂબંધીને કારણે શરાબનો વપરાશ ઘટયો છે કે નહીં. ઉપરાંત સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં જણાવાયું છે એ મુજબ દારૂબંધીની નીતિ કારગત બનાવવાની સરકારની બંધારણીય ફરજ છે.
No comments:
Post a Comment