ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફૂલ એક્શનમાં નજરે આવી રહ્યાં છે. આજે તેમણે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી રિવર ફ્રન્ટનું નિરિક્ષણ કર્યું. યોગીએ આ કાર્યક્રમ અચાનક જ બનાવી લીધો હતો અને ત્યારબાદ તેઓ ડેપ્યુટી સીએમ દિનિશ શર્મા, કેબિનેટ મંત્રી રીતા બહુગુણા જોશી, અને સ્વાતિ સિંહ સાથે ગોમતી રિવર ફ્રન્ટ પહોંચી ગયા હતાં. ત્યાં તેમણે સમગ્ર પ્રોજેક્ટની સમિક્ષા કરી અને સંલગ્ન અધિકારીઓ અને લોકોની બરાબર ક્લાસ લગાવી. તેમણે અનેક એવા પ્રશ્નોનો મારો ચલાવ્યો કે અધિકારીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. યોગીએ અધિકારીઓ પાસે રિવર ફ્રન્ટ પ્રોજેક્ટની પૂરી માહિતી માંગી, અને તેઓને પાઈ પાઈનો હિસાબ આપવા જણાવ્યું. યોગીએ અધિકારીઓ સાથે લગભગ 40 મિનિટ સુધી બેઠક યોજી. તેમણે નવેસરથી બજેટનો એસ્ટિમેટ તૈયાર કરવા જણાવ્યું.
અધિકારીઓને લગાવી બરાબર ફટકાર
સીએમ યોગીએ રિવર ફ્રન્ટની બેઠકમાં પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને લોકોને બરાબર ફટકાર લગાવી. યોગીએ પૂછ્યું કે ગોમતીનું પાણી ગંદુ કેમ છે? શું બધા રૂપિયા પથ્થરોમાં લગાવી દીધા? પ્રોજેક્ટમાં આટલો ખર્ચો કેવી રીતે થયો? શું પ્રોજેક્ટ કોસ્ટ વધુ છે તો તેમાં સંશોધન કરો. મે મહિના સુધીમાં ગોમતીનું પાણી ચોખ્ખુ થઈ જવું જોઈએ અને એક વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટ પૂરો થવો જોઈએ તેવો તેમણે નિર્દેશ આપ્યો. એવી પણ અટકળ છે કે યોગી પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ પર કાર્યવાહી પણ કરી શકે છે. યોગીએ એમ પણ પૂછ્યું કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં 6 કિમી નદીને 3 મીટર ઊંડાણમાં ઊંડી કેમ કરવામાં આવી છે પરંતુ કાગળ પર. આટલી માટી કાઢીને ફેંકી ક્યાં? ગોમતીને કેટલી ઊંડી કરવામાં આવી?
પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અખિલેશ યાદવે
ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે 16 નવેમ્બર 2016ના રોજ કર્યું હતું. પ્રોજેક્ટ હજું અધૂરો છે. અખિલેશે પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટ માટે લગભગ 1500 કરોડ રૂપિયાનું ભારેભરખમ બજેટ બનાવ્યું હતું. અત્યાર સુધી આ પ્રોજેક્ટ પર 900 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ ગોમતી નદીના બંને કિનારાનું સૌંદર્યકરણ થયું છે. નદી કિનારે જોગિંગ ટ્રેક, સાઈકલ ટ્રેક, અને બાળકોના પાર્ક બનાવવામાં આવ્યાં છે. બાળકો માટે ડિઝની ડ્રીમ શો, ટોરનેડો ફાઉન્ટેન્સ,વોટર થિયેટર બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત યોગ કેન્દ્ર, વિવાહ ભવન, અને ઓપન થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ગોમતીના કિનારે ક્રિકેટ અને ફૂટબોલ સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યાં છે. સ્ટેડિયમનું નામ ટેનિસ ખેલાડી ગૌસ મોહમ્મદના નામ પર છે.
No comments:
Post a Comment