રાજ્યગુરુના પ્રભાવ નીચે રાજા શાસન ચલાવે એ ઋષિપરંપરા ભારતમાં યુગોથી ચાલતી આવી હતી. છત્રપતિ શિવાજી એમના ગુરુ સ્વામી સમર્થ રામદાસની ઇચ્છા અનુસાર શાસન ચલાવતા હતા. મહાભારત અને રામાયણમાં જે સુશાસનો રજૂ થયાં છે તેમાં ઋષિ અથવા રાજ્યગુરુને મહત્ત્વ અપાતં હતું. જરૂર પડી ત્યારે રાજ્યગુરુએ નાઇટવોચમેન તરીકે રાજકારભાર સંભાળી લીધો હોય તેવાં ઉદાહરણો પણ છે. સ્વામી, સાધુઓ અથવા રાજ્યગુરુ પોતાની વ્યક્તિગત ઇચ્છાઓથી વિરક્ત અને પ્રજામુખી હોય છે એવી એક સામાન્ય ધારણા છે. આથી જ્યારે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશનું સુકાન સંભાળે ત્યારે જૂની સંસ્કૃતિ એમની મદદે આવે છે અને પ્રજા આપોઆપ યોગી સમક્ષ નતમસ્તક બની જાય છે.
ભારતની લોકશાહીના ઇતિહાસમાં યોગી શાસનની ધુરા સંભાળે તે આ પ્રથમ કિસ્સો નથી. સાધ્વી ઉમા ભારતી મધ્ય પ્રદેશનાં ભગવા ગાઉનધારી મુખ્યમંત્રી બની ચૂક્યાં છે પણ સાધ્વીમાં શિસ્તનો અભાવ હતો. યોગી આદિત્યનાથ એક શિસ્તબદ્ધ યોગી છે. એમનાં પ્રજ્ઞા, ચેતા અને મેધા ત્રણેય તેજ છે. કોઇપણ વાત ત્વરિત સમજી જાય છે. એક યોગીમાં હોય તેવો હઠાગ્રહ અને ક્રોધ પણ તેમનામાં છે. ત્વરિત નિર્ણય લેવાની શક્તિ છે. રોજ બ્રાહ્મમુહૂર્તમાં જાગી જઈને, ગમે એટલી વ્યસ્તતા વચ્ચે દૈનંદિનીનો ક્રમ જાળવી રાખે છે. ઉંમર નાની છે અને કદકાઠી એવરેજથી થોડાં નીચે છે પણ સિદ્ધિઓ અનેક છે.
જૂની પરંપરામાં યોગીઓ અને રાજવીઓ આપખુદ નિર્ણય લઇ શકતા હતા. હવેની લોકશાહી વ્યવસ્થા જટિલ હોય છે અને તેમાંય ઉત્તર પ્રદેશ જટિલશ્રેષ્ઠ છે. યોગી આદિત્યનાથ પ્રખર હિંદુવાદી છે. એમના ઘણા વિચારોનો ભારતનાં બંધારણ સાથે મેળ જામતો નથી. એવું બની શકે કે એમના વિચારોને અમલમાં મૂકવાથી ઉત્તર પ્રદેશમાં કોઈ બંધારણીય સમસ્યા પેદા થાય. તે ના થાય તે માટે બબ્બે નાયબ મુખ્યમંત્રીઓ યોગીની આસપાસ હેન્ડબ્રેક તરીકે રખાયા છે. દિનેશ શર્મા સૌમ્ય, મૃદુભાષી, શિક્ષિત અને સ્વચ્છ છબિ ધરાવતા નેતા છે. કેશવપ્રસાદ મૌર્ય પણ પ્રિસ્ક્રિપ્શનમાં ફિટ બેસે તેવા નેતા છે. યોગીના ઉગ્ર ચહેરા પર હમણા લગામ રખાશે. હાલ તુરત તો વિકાસનો એજન્ડા આગળ ધપાવાશે, કારણ કે હવે પછીનાં સવા બે વરસ બાદ લોકસભાની રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાશે. દરેક કદમ એ રીતે આગળ વધશે જેમાં ઉત્તર પ્રદેશમાં મતદારો ઘટવા ન જોઇએ. યુપીમાં જે શાસન અપાશે તેની રાષ્ટ્રીય સ્તરે પણ અસર પેદા થશે. સ્વામી જ્યારે શાસક બની ગયા છે ત્યારે એમની પરીક્ષા થશે. એમના માટે સારી વાત એ છે કે યુપીમાં ભાજપની પ્રચંડ બહુમતી છે અને કેન્દ્રમાં પણ સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર છે. આવું વાતાવરણ હોય ત્યારે આપખુદી પણ વધી જાય તેવી સંભાવના રહે છે. આ સ્થિતિને કારણે યુપી અને દેશની રાજ્યવ્યવસ્થા એક નવા ઉત્સાહપ્રદ, રોમાંચક અને રસપ્રદ તબક્કામાં પ્રવેશી છે. ભારતનાં લોકોની આંખ યોગી અને ઉત્તર પ્રદેશ પર મંડાયેલી રહેશે.
સર્વશ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ખૂબ બુદ્ધિપૂર્વક ત્રિપુટીની રચના કરી છે. યુપી જેનાથી પીડાય એ જ્ઞાતિ, જાતિનાં સમીકરણો યોગીને લાગુ પાડવાનાં નથી, કારણ કે સાધુ એ તમામ ગણિતોથી પર હોય છે. જાત ન પૂછો સાધુ કી. આથી તમામ હિંદુઓના એ એક સરખા પ્રિય નેતા બની રહેશે. હા, ધર્મના આધારે નવા વિવાદો થઇ શકે છે. લોકસભાની ચૂંટણીમાં આ સ્થિતિ ભાજપને માટે ફાયદાકારક નીવડશે. બહુમતી હિંદુ મતદારો સંગઠિત રહેશે.
યોગીની અચાનક પસંદગી થઈ તેમ કહેવાય છે. આ વાત સાચી નથી. મોદી અને શાહે અગાઉથી જ મુખ્યમંત્રીઓનાં નામ નક્કી કરી રાખ્યાં હતાં. પારિકરને ગોવા મોકલવાનું અગાઉથી જ નક્કી હતું. યોગીએ યુપીની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી હતી. ભાજપના ચૂંટણી અગાઉના ખાનગી સરવેમાં ભાજપના લોકપ્રિય નેતાઓ તરીકે રાજનાથસિંહ યોગી બંને લગભગ સરખા પ્રમાણમાં લોકપ્રિય હતા પણ રાજનાથ યુપી જવા માગતા નહોતા. એ વખતે યુપીના નેતા જાહેર કરાયા નહીં. એ વ્યૂહ પણ ભાજપ માટે મદદરૂપ પુરવાર થયો છે. નામ જાહેર થવાથી અમુક મતદારો બીજા પક્ષ તરફ જતા રહે એવું થયું નથી. પ્રચાર વખતે યોગીની લોકપ્રિયતા ખૂબ વધી. યોગીએ કર્મઠતા અને શિસ્તના ગુણોનો પરિચય આપ્યો તેનાથી મોદી પણ ખુશ થયા હતા. સાતમા તબક્કાનાં મતદાન માટે પૂર્વીય યુપીના ગોરખપુરમાં ભાજપના અનેક બળવાખોર ઉમેદવારો ઊભા રહી ગયા હતા. યોગીએ ગોરખપુર જિલ્લામાં ઘરે ઘરે જઈ પ્રચાર કર્યો અને એકપણ બળવાખોર ચૂંટાઇ ન આવે તેવી તજવીજ કરી. પક્ષના કેટલાક અસંતુષ્ટોની પાછળ ખુદ યોગી આદિત્યનાથ રહેલા છે તેવો કુપ્રચાર શરૂ થયો તેને મોદી અને શાહે ધ્યાનમાં લીધો નહોતો. અમિત શાહ વારે-પ્રસંગે ગોરખનાથ મંદિરના આશ્રમમાં જતા. યોગીની શિસ્ત, વહીવટ, ઇતિહાસનું જ્ઞાન અને નિખાલસતા શાહને પસંદ પડયાં હતાં. ચૂંટણીપ્રચારમાં યોગીની મહેનત નોંધપાત્ર રહી હતી. ટૂંકમાં યુપીના નાથ તરીકે આદિત્યનાથનું નામ પરિણામો જાહેર થયા તે અગાઉથી જ નક્કી હતું. એ જ રીતે ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતનું નામ પહેલેથી જ નક્કી હતું. ધારાસભ્યો દ્વારા નેતાની પસંદગી એટલા માટે થઈ કે ધારાસભ્યઓએ કોને પસંદ કરવાના છે તે ટોચની નેતાગીરીએ નક્કી કરવાનું હતું. પત્રકાર વાસિન્દ્ર મિશ્રાએ સરસ વાત કહી. મહાભારતનું યુદ્ધ નક્કી જ હતું. છતાં કૃષ્ણએ એવો દેખાવ કર્યો જેમાં અર્જુનને પ્રેરણા આપવી પડી. પાંડવોમાં યુદ્ધ માટેની ભાવના જગાડવી પડી અને કૃષ્ણ સહમતી બનાવી રહ્યા છે તેવી સ્થિતિ પેદા કરવી પડી. યોગીની પસંદગીમાં સંઘની કોઇ ભૂમિકા નથી રહી પણ મોદી અને શાહની ભૂમિકા જ મહત્ત્વની રહી છે.
No comments:
Post a Comment