Wednesday, 29 March 2017

ખાડે ગયેલો ઉત્તર પ્રદેશનો વહીવટ પાટે ચડાવવા સુયોગ્ય નિર્ણય

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા માત્ર સાત જ દિવસમાં ૫૦ નિર્ણય કરીને સુ-શાસનની દિશામાં આગળ વધવા મક્કમતાપૂર્વક પ્રયત્ન થયા છે. છેક ૧૯૮૯થી ઉત્તર પ્રદેશનો વહીવટ સાવ ખાડે ગયો છે. ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને અકાર્યક્ષમતા ભારોભાર પ્રવર્તી રહ્યા છે. સરકારી કર્મચારીઓની લાપરવાહી તો હદબહાર જોવા મળે છે.સેક્યુલર પાર્ટીઓએ પ્રજા સાથે કરેલી ગદ્દારી તો કોથળા ભરાય 

તેટલા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ હવે આ તમામના દિવસો ભરાયા છે. સમાજવાદી પાર્ટીના અખિલેશની બહુ પ્રશંસા થતી હતી પરંતુ પાંચ  વર્ષમાં તેમણે શું કર્યું? ભાગ્યે જ કોઈ એક બાબત તેમના જમાપક્ષે છે. છતાં તેઓ ચૂંટણીમાં ભોંયભેગા થયા ત્યાં સુધી તેમના ગુણગાન ગાવામાં આવતા હતા. એવી આગાહી થતી હતી કે તેમનો કોઈ વિકલ્પ નથી!!

અખિલેશે તો માયાવતી સાથે જોડાણ કરવા દરવાજા ખુલ્લા છે તેમ ચૂંટણીના મતદાનના બે તબક્કા બાકી હતા તે વખતે જાહેરાત કરી હતી!! આવા ઘનચક્કર બ્રાન્ડના રાજકારણીઓ ૨૨ કરોડની જનસંખ્યા ધરાવતા રાજ્યમાં શાસન ચલાવતા હતા. પરંતુ હવે તેમના કાળા કૃત્ય એક પછી એક ખુલ્લા પડવાના છે. છેલ્લાં પાંચ વર્ષમાં ઘર ભરવા સિવાય તેમણે ભાગ્યે જ કોઈ કાર્ય કર્યું છે.



યોગી આદિત્યનાથે સરકારી ઓફિસની અણધારી મુલાકાત 

લઈને નિંભર તંત્રને જાગતું કરવાની શરૂઆત કરી છે. પોલીસ 

સ્ટેશનો પર જઈને અસ્વચ્છતા, ફાઈલ અને કાગળના ઢગલા વચ્ચે 

તદ્દન બેશરમ બની ગયેલા પોલીસકર્મીઓને સીધા કરવાની કામગીરી શરૂ કરી છે. આવી બાબત અરુચિકર અને પસંદ ન પડે તેવી છે છતાં અળખામણા થઈને પણ તેઓ સખત બની રહ્યા છે. આવું કર્યા વગર છૂટકો નથી.



માયાવતી અને મુલાયમની વણલીખી ભાગીદારીએ જે અકાર્યક્ષમતા ત્યાં વર્તાવી છે તે ખૂબ જ અરુચિકર છે. તેમના ખોટા નિર્ણયોએ ઉત્તર પ્રદેશને ભારોભાર નુકસાન કર્યું છે. કયાંય ન ચાલે તેવો વહીવટી સ્ટાફ ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. પરંતુ તેમને યોગ્ય સ્થાન બતાવી આપવા એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં ઝેર હોવું જોઈએ.

કાયદો- વ્યવસ્થા એ ઉત્તર પ્રદેશ માટે ટોચની અગ્રતા ધરાવતો મુદ્દો છે. અસામાજિક તત્ત્વોએ રાજકીય પક્ષોના પીઠબળથી ત્યાં સામ્રાજ્ય વિકસાવ્યું છે. પરંતુ તેમની સામે સખત પગલાં ભરવાનો સમય આવી ગયો છે. જરૂર પડ્યે તેમના એન્કાઉન્ટર કરી નાખવાની પણ જરૂર છે. આવી બાબતે કોઈની શેહશરમ રાખવી નહીં કારણ કે ૧૦૦ ટકા પરિણામ માત્ર સખતાઈથી આવશે. સમાજ કંટકોને ખતમ કરવા તે રાજ્યનો  ધર્મ છે.

યોગી આદિત્યનાથ કુટુંબ કબીલાથી તદ્દન અલિપ્ત દિશામાંથી આવે છે. તેમને કોઈ સામાજીક દબાણ હેઠળ કાર્ય કરવાનું નથી આથી તેઓ વધુ પરિણામલક્ષી પુરવાર થવાના છે.



ઉત્તર પ્રદેશમાં નેતૃત્વ જ ભ્રષ્ટ હતું અને સેકયુલારિઝમના મંજીરા વગાડીને ૨૫ વર્ષથી પ્રજાનું શોષણ કરવામાં આવ્યું. હવે ખુદ પ્રજાએ આવા નાપાક તત્ત્વોને ફંગોળીને ફગાવી દીધા છે. આઝમખાન જેવાઓ ક્યાંય શોધ્યા મળતા નથી.

સ્થાનિક કક્ષાએ સાફસૂફી થશે તેવે વખતે નવી નવી રોજગારી માટેની તક ખુલતી જશે. કારણ કે ઉત્તર પ્રદેશમાં ક્યાંય ઉદ્યોગો 

મૂડીરોકાણ માટે તૈયાર નથી કારણ સ્પષ્ટ છે. રાજકીય સ્થિરતા નહોતી અને સુરક્ષાના નામે સાવ શૂન્યતા હતી. હવે મજબૂત અને સ્થિર શાસન વ્યવસ્થાએ બાગડોર સંભાળી છે એટલે ઘણા પ્રશ્ર્નનો ઉકેલ આવી 

જવાનો છે.

મૂડીરોકાણ અને રોજગારી વધારવા ઘણી વહીવટી સાફસૂફી કરવાની જરૂર છે. આશ્ર્ચર્ય એ વાતનું છે કે અખિલેશ સરકારની પાંચ વર્ષની કામગીરીમાં પાંચ સારી બાબત જોવા મળી નથી. છતાં તેમના જ ગુણગાન ગાવામાં આવ્યા. રસ્તાઓ બાંધ્યા- પરંતુ કેટલા? આગ્રા- મથુરા રોડના નિર્માણ સિવાય કશું જ થયું નથી. પરંતુ પ્રચાર હદબહાર થયો હતો.

હાલમાં પ્રધાનમંડળની ટીમમાં કાર્ય કરવા તત્પર લોકો છે. પરિણામ જલદીથી માગે તેવા મતદારો સક્રિય છે. આથી ઝડપ, કાર્યક્ષમતા સાથે આગળ વધવું પડશે. દર મહિને પ્રધાનો અને ધારાસભ્યોએ રિપોર્ટકાર્ડ આપવું પડશે. આવી બાબત ઉત્તર પ્રદેશના પોલિટિકલ કલ્ચરમાં પહેલીવાર સ્થાપિત થઈ રહી છે. તેના પરિણામને પ્રજા અલગઅલગ રીતે મૂલવશે તેટલું નિશ્ર્ચિત છે.

કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય તેવે વખતે ઘણા નિર્ણયો સરળ અને કોઈ ઘર્ષણ વગર જ અમલી બનતા હોય છે. ઉત્તર પ્રદેશને આ બાબતે ઘણો લાભ મળે તેવું છે. ખાસ કરીને ઈલેક્ટ્રિસિટીના પ્રોજેક્ટમાં રોકાણ થાય તો રાજ્યમાં જે માત્ર ૧૦ થી ૧૨ કલાક વિદ્યુત પુરવઠો મળે છે તેમાં થોડો વધારો થઈ શકે કારણ કે ઊર્જાના અભાવે ઘણી સમસ્યા છે.

અખિલેશ સરકારની ગેરરીતિઓ ઘણી છે. પરંતુ તેમાં બહુ ઊંડા ઉતરવા કરતાં નવા અને પ્રજાલક્ષી કાર્ય કરવાની જરૂર છે કારણ કે અખિલેશના પક્ષના કામ નહીં કારનામાએ તેમને હરાવ્યા છે. સમાજવાદી પક્ષ ક્યાંય પોતાનું મોઢું બતાવવાને લાયક રહ્યો નથી.

અલબત્ત તેમની વાતો ઘણી વિચિત્ર છે. હજુ સુધી તેમણે કૉંગ્રેસ સાથે ભાગીદારીથી કેટલું નુકસાન થયું તે બાબતે એક શબ્દ ઉચ્ચાર્યો નથી.વહીવટીતંત્ર એવું છે કે એકવાર ધાક બેસાડી દેવામાં આવે તો મહિનાઓ સુધી ત્યાં ગતિશીલતા રહે છે અને જાગતું પડ રહે છે. ધારાસભ્યોને કોઈની ટ્રાન્સફર કે પ્રમોશન માટે ભલામણ નહીં કરવા સૂચના આપવામાં આવી છે. ધારાસભ્યો આવું જ કાર્ય કરે છે પછી પ્રજાના કાર્ય રખડી પડે છે. આથી પહેલેથી જ સખતાઈ કરવામાં આવી છે તે ઉચિત બાબત છે.



ઉત્તર પ્રદેશમાં વહીવટીતંત્ર પર ધાક બેસાડી દીધી છે તે બહુ જરૂરી છે. કારણ કે સરકારીતંત્રમાં ઘણા તો માત્ર સાંજ પાડવા માટે જ હોય છે!! તેઓ ભાગ્યે જ કંઈ કામ કરે છે. બિનજરૂરી બાબતમાં જ પોતાનો 

સમય બરબાદ કરે છે. આથી એક નવા વર્ક કલ્ચરની જે જરૂર છે તેમાં આવી રીતે સખત બન્યા વગર છૂટકો નથી અને પ્રજા તે બાબતને સ્વીકારે છે.

No comments:

Post a Comment