Wednesday, 29 March 2017

ભડકે બળતા કાશ્મીરને 'યોગી'ની જરૃર



ગોળીબારમાં ત્રણ યુવકનાં મોત: પથ્થરમારાથી ૬૦ જવાન ઘાયલ
પથ્થરમારો કરતા ટોળા પર સેનાના ગોળીબારમાં યુવકોનાં મોત બાદ ઠેર ઠેર હિંસા
૧૨ કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, સેનાએ આતંકી છૂપાયો હતો તે ઘર ઊડાવી દીધું


કાશ્મીરમાં આશરે છ માસના વિરામ બાદ ફરી હિંસા ભડકી છે. અહીં આતંકીઓ દ્વારા એક બાદ એક હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આવો જ એક હુમલો આતંકીઓ બુડગામ જિલ્લામાં કરવા માગતા હતા. જોકે સૈન્ય કાર્યવાહીમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. દરમિયાન આતંકીઓ વિરૃદ્ધની કાર્યવાહીનો વિરોધ કરવા આ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન પણ થઇ રહ્યા હતા.

સૈન્ય પર પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે સૈન્ય દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ સ્થાનિક યુવકોના મોત નિપજ્યા હતા. જેને પગલે લોકોમાં સૈન્ય પ્રત્યેનો ગુસ્સો વધ્યો હતો અને ઠેર ઠેર હિંસા ભડકી હતી. આ પથ્થરમારામાં સીઆરપીએફના ૪૩ અને જમ્મુ કાળશ્મીરના ૨૦ જવાન સહિત કુલ ૬૫ જેટલા લોકો ઘાયલ થયા હતા. 
સૈન્યના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાશ્મીરના બુડગામમાં સૈન્યએ એક આતંકીને ઠાર માર્યો છે. જોકે આ વિસ્તારમાં અન્ય આતંકીઓ પણ છુપાયેલા હોવાની શક્યતાને પગલે સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન ટોળાના ટોળા આ વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેને વિખેરવા માટે સૈન્યએ ગોળીબાર કરતા આશરે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.  
બીજી તરફ અલગતાવાદીઓએ બંધનું એલાન જાહેર કર્યું હતું. ત્રણ સ્થાનિકોના બુડગામમાં મોત નિપજતા અલગતાવાદીઓએ હિંસાની આગમાં ઘી હોમવા માટે બંધનું એલાન જાહેર કર્યું છે. સાથે સૈન્ય દ્વારા ત્રણ વ્યક્તિના મોત નિપજતા તપાસની માગણી પણ કરી છે. 
નોંધનીય છે કે આતંકી બુરહાન વાનીના મોત બાદ કાશ્મીરમાં ગત આખુ વર્ષ હિંસાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે વચ્ચે આ હિંસા શાંત પડી ગઇ હતી પણ હવે ફરી ધીરે ધીરે હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં હિંસાને રોકવા સૈન્ય દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનમાં ૧૦૦થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે. હવે ફરી હિંસા ભડકતા વધુ ત્રણ યુવકોના મોત થયા છે. જેને પગલે લોકોમાં ફરી રોશ ભભુકી ઉઠયો છે. આગામી દિવસોમાં હિંસાનું પ્રમાણ વધી શકે છે કેમ કે અલગતાવાદીઓએ બંધનું પણ એલાન આપ્યું છે. 

હિંસામાં ચાર વર્ષમાં ત્રણ હજાર જવાનો ઘાયલ

દેશમાં અવાર નવાર હિંસાની ઘટનાઓ સામે આવતી રહી છે. કાશ્મીરમાં હિંસાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. દરમિયાન સૈન્ય દ્વારા આ હિંસાને રોકવાના પ્રયાસો થતા હોય છે. દેશભરમાં આવી હિંસાને રોકવાની કાર્યવાહી દરમિયાન છેલ્લા ચાર વર્ષમાં સૈન્યના આશરે ત્રણ હજારથી વધુ જવાનો ઘાયલ થયા હતા. આ માહિતી લોકસભામાં કેન્દ્રિય ગૃહ રાજ્ય પ્રધાન હંસરાજ અહીરે આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ૨૦૧૪થી માર્ચ ૨૦૧૭ દરમિયાન અર્ધ સૈન્ય દળના આશરે ૩૪૬૩ જવાનો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયની રિપોર્ટ અનુસાર દેશભરમાં સૌથી વધુ સીઆરપીએફના ૩૩૩૫ જવાનો ઘાયલ થયા છે. 
સેનાએ પેલેટ ગનનો વિકલ્પ શોધી કાઢ્યો

સુરક્ષા જવાનો ટોળાને વિખેરવા સ્પાઇસી જેલી વાળા ગ્રેનેડ ફેંકશે ગ્રેનેડનો વિસ્ફોટ થતા તેમાંથી સ્પાઇસી જેલી ઉડશે, જેથી આંખોમાં અસહ્ય બળતરા થશે કાશ્મીર અને અન્ય હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ટોળાને વિખેરવા માટે અત્યાર સુધી પેલેટ ગનનો ઉપયોગ થતો હતો. જોકે તેને કારણે લોકોને ગંભીર ઇજાઓ થતી હતી. આવી સ્થિતિમાં વધુ એક ઉપાય શોધી કાઢવામાં  આવ્યો છે. હવે સૈન્ય હિંસાખોર ટોળાને વિખેરવા માટે સ્પાઇસી જેલી વાળા ગ્રેનેડનો ઉપયોગ કરશે. જ્યારે આ સ્પાઇસી જેલી વાળા ગ્રેનેડ ટોળા પર ફેંકવામાં આવશે ત્યારે જે વિસ્ફોટ થશે તેમાંથી સ્પાઇસી જેલી નિકળશે.  જેને પગલે હિંસા ફેલાવનારા શખ્સની આંખોમાં બલતરા થશે. જેને પગલે તે સ્થળ પરથી ભાગી જશે. હાલ આ માટે માત્ર ભલામણ કરવામાં આવી છે અને ટુંક સમયમાં સરકાર તેને મંજુરી આપે તેવી શક્યતાઓ છે. થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે પણ કાશ્મીરમાં ઉપયોગમાં લેવાતી પેલેટ ગનની જગ્યાએ બીજો કોઇ વિકલ્પ શોધવા સરકારને કહ્યું હતું. આવી સ્થિતિમાં કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ મેહરીશીની આગેવાનીમાં યોજાયેલી એક બેઠકમાં આ સ્પાઇસી જેલી ગ્રેનેડનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.

Gujarat:28 march17

No comments:

Post a Comment