લોકસભાના ૫૪૩ સભ્યોમાંથી કેટલા સભ્યો દરેક સત્રમાં હાજર હોય છે અને કેટલા સક્રિયપણે ભાગ લે છે ?
'આવ્યા ત્યારે ઊઘાડપગા હતા કે સાઇકલ પર આવ્યા હતા. પાછા ગયા ત્યારે રોલ્સ રૉય્ઝ કે મર્સિડિ કારમાં હતા... એ કોણ ? આવો સવાલ સરકારી નોકરી માટેની પરીક્ષાના કોઇ પ્રશ્નપત્રમાં પૂછાય તો એક જ જવાબ મળે આપણા લોકપ્રતિનિધિઓઃ ધારાસભ્ય કે સંસદ સભ્ય. તાજેતરમાં માહિતી અધિકાર ધારા હેઠળ પૂછાયેલા સવાલના જવાબમાં ખુદ કેન્દ્ર સરકારે આપેલો જવાબ એવો હતો કે ૮૦ ટકાથી વધુ વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યો કે સંસદો કરોડપતિ છે. માત્ર બે ચાર દાખલા લ્યો. બસપાના માયાવતી, સપાના મુલાયમ સિંઘ યાદવ, બિહારના લાલુ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી- આ લોકો રાજકારણમાં સક્રિય થયાં ત્યારે એમની સંપત્તિ કેટલી હતી અને અત્યારે કેટલી છે ? નોટબંધી જાહેર થઇ ત્યારે કેટલાક વ્હૉટ્સ એપ મેસેજમાં એક વિડિયો મેસેજ ફરતો થયો હતો જેમાં મમતા 'દીદી' એક તિજોરીમાં પ૦૦ની નોટોના થોકડાના થોકડા ઠાંસી રહ્યાં હતાં. માત્ર આ ચાર પાંચ વ્યક્તિની આવક જાવક પરથી બીજાઓની કલ્પના કરી શકાય છે.આ વાત યાદ આવવાનું કારણ સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલી લોકહિતની એક અરજી છે. આ અરજીમાં એવો સવાલ ઊઠાવવામાં આવ્યો છે કે કરોડોપતિ હોય તો પછી ભૂતપૂર્વ સાંસદોને આજીવન પેન્શન શા માટે અપાવું જોઇએ ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી કે ભૈ, આ વાતનો જવાબ શું આલવાના છો ? આગલા દિવસ સુધી માતેલા સાંઢની જેમ એકમેકની સાથે લડતા અને ગાળાગાળી કરતા તમામ પક્ષો સંપી ગયા અને નાણાં પ્રધાન અરુણ જેટલીએ ખોંખારીને કહી દીધું કે આ સવાલ નક્કી કરવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી, સંસદનું છે. જરા વિચારજે પ્રિય વાચક, લોકસભાના ૫૪૩ સભ્યોમાંથી કેટલા સભ્યો દરેક સત્રમાં હાજર હોય છે અને કેટલા સક્રિયપણે ભાગ લે છે ? રાજ્યસભાની વાત હમણાં જવા દઇએ. ખરેખર લોકપ્રતિનિધિ કહેવાય એવા સાંસદો કેટલા ? મારા તમારા મતવિભાગની તકલીફોના નિવારણ માટે અવાજ ઊઠાવનારા સાંસદો કેટલા ? એર ઇન્ડિયાના ડેપ્યુટી મેનેજર લેવલના અધિકારીને મારનારા રવીન્દ્ર ગાયકવાડ જેવા નામીચા અને બેફામ વર્તન કરનારા સાંસદો કેટલા ?નિયમિત છાપાં વાંચતાં હો તો આ સવાલના જવાબ તમે પોેતે પણ આપી શકો એમ છો. અરુણ જેટલીએ કહ્યું કે આ નક્કી કરવાનું કામ સંસદનું છે ત્યારે એ પોતે, વરિષ્ઠ ધારાશાસ્ત્રી હોવા છતાં ભૂલી ગયા કે મોટા ભાગના સાંસદો સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે પણ નિરાંતે ગૃહમાં ઊંઘી ગયેલાં દેખાય છે. બીજું, શ્રી જેટલી એ હકીકત પણ ભૂલી ગયા કે જેને એ સરકારી તિજોરી કહે છે એ હકીકતમાં પ્રજાના પૈસા છે.પ્રજાના પરસેવાના પૈસા આ રીતે અંદર અંદર વહેંચી લેવાનો અધિકાર તમને કોણે આપ્યો ? ફરી ફરીને લોકનાયક જયપ્રકાશ નારાયણ યાદ આવે છે. જેપી કહેતા કે પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જતા ધારાસભ્ય કે સાંસદને પાછાં બોલાવવાનો અધિકાર મતદારોને હોવો જોઇએ.એ દિવસોમાં ઇંદિરા ગાંધીની સરકાર હતી. જેપીના સૂચનથી ગોકીરો મચી ગયો હતો. જેપીએ તો પોલીસ અને લશ્કરને પણ લોકવિરોધી સરકારી આદેશોનો અનાદર કરવાની હાકલ કરેલી. એના પગલે ઇંદિરાજીએ જેપીને દેશદ્રોહી ગણાવતું વિધાન કરેલું. આજે દેશની ૪૦ ટકા વસતિને એક ટંક પૌષ્ટિક ભોજન કે પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી ત્યારે આ કહેવાતા લોકપ્રતિનિધિઓ દોમદામ સાહ્યબીમાં આળોટતા હોવા છતાં આજીવન પેન્શનનો હક્ક જતો કરવા તૈયાર નથી, બોલો !સંસદ કઇ કમાણી કરે છે અને સાંસદો કયો વ્યવસાય કરે છે કે એમને પેન્શન મળવું જોઇએ ? વાસ્તવમાં એક નહીં પણ અનેક એનજીઓએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં લોકહિતની ઢગલાબંધ અરજીઓ કરી દેવી જોઇએ. નાગરિકો પોતે અવાજ ન ઊઠાવે તો એકલી સુપ્રીમ કોર્ટ શું કરે ? ભૂલચૂક લેવી દેવી પરંતુ ગાંધીજીનું મનાતું એક વિધાન યાદ આવે છેઃ 'મૂગે મોઢે અન્યાય સહન કરનારા પણ અન્યાય કરનારા જેટલાજ જવાબદાર છે...' નાણાંની વાત આવે ત્યાં તમામ રાજકીય પક્ષો સંપી જાય છે. ત્યારે કોઇને પેાતાના મતવિભાગ કે મતદારો યાદ આવતાં નથી. નાગરિકોએ સંગઠિત થઇને સુપ્રીમ કોર્ટમાં પોણો સો સો અરજી કરી નાખવી જોઇએ કે સાંસદોના રજવાડી પગાર, ફાઇવ સ્ટાર હૉટલ જેવી કેન્ટિનની સગવડ, પ્રવાસ ભથ્થાં, બીજાં અલાવન્સીસ અને પેન્શન કોના હિસાબે ને જોખમે ? અને જો આ બધા લાભ જોઇતાં હોય તો ફરજ બજાવવામાં કે નાગરિકોનાં કામ કરવામાં નિષ્ફળ જાય એવા સાંસદો-ધારાસભ્યોને પાછાં કેમ ન બોલાવી શકાય ?
No comments:
Post a Comment