Wednesday, 27 January 2016

‘બાપા સીતારામ’ બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો ગુરૂ આશ્રમ તરીકે જગવિખ્યાત આશ્રમ




બગદાણા નામ સાંભળાતા જ આપણા મુખમાં એક જ નામ આવે ‘બાપા સીતારામ’. ગુજરાત સહિત દેશ-દુનિયામાં બાપા સીતારામ નામ ગુંજતુ કરનાર પૂં. બજરંગદાસ બાપાની આવતીકાલે 39મી પૂણ્યતિથિ છે. ત્યારે ભારતભરમાંથી ભક્તો બગદાણા આવીને ગુરૂ મહારાજના ચરણોમાં શીશ નમાવશે. ભાવનગરથી 85 કિ.મી.ના અંતરે આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા ખાતે પૂ. બજરંગદાસ બાપાનું મંદિર યાત્રાધામ બન્યું છે. અહીં વર્ષભર શ્રધ્ધાળુઓનો જમેલો રહે છે. ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે અહીં લાખોની મેદની ઉમટે છે. પ્રાત:કાળે ગુરુપૂજન અને દિવસભર શ્રધ્ધાળુઓની ભીડ રહે છે. અહીં યાત્રિકો માટે ચોવીસ કલાક ભોજન વ્યવસ્થા છે. બજરંગદાસ બાપાની ચાંદીની પ્રતિમા અને આશ્રમ પરિસરમાં શિવાલય દર્શનીય છે.

બગદાણા ઘણા લોકો માટે શ્રદ્ધા અને વિશ્વાસની જગ્યા છે. મોટું નગર હોય કે નાનુ ગામ પણ બાપા સીતારામની મઢુલી તો બધે અચૂક જોવા મળે છે. લગભગ 100 વર્ષ પહેલા બાપા બજરંગ દાસનો જન્મ ઝાંઝરીયા હનુમાનની જગ્યામાં થયો હતો. આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા પણ કહેવાય છે. આ ગામ પાસે બગડાલવ ઋષિનો બગડાલવ નામનો કુંડ છે. અહીં બગડ નદી વહે છે. જ્યાં ત્રિવેણી સંગમ થાય છે. તેની પાસે બગડેશ્વર મહાદેવ નામે સુંદર શિવાલય પણ આવેલું છે.
કુદરતી સૌંદર્યથી ભરપુર બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો સુંદર આશ્રમ આવેલ છે. પહેલાં આ સ્થળે બજરંગદાસબાપાની ઝુંપડી આવેલી હતી. અત્યારે એ જ સ્થળે મોટો આશ્રમ આવેલો છે. જે ગુરૂ આશ્રમ તરીકે જગવિખ્યાત છે. બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ ચાલુ જ છે. આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આમ તો ગમે ત્યારે દર્શનાર્થીઓ અહીં આવે છે. પરંતુ આ બે દિવસે અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. આ દિવસે મોટા મેળાઓનું આયોજન થાય છે અને લાખો ભક્તો આવે છે. અહીં આશ્રમનો વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ઘણાં વર્ષો પહેલાં એક સંત થઈ ગયા હતા. એમનું નામ બજરંગદાસ બાપા હતું. બગદ નદીને કાંઠે આ બગદાણા ગામ આવેલું છે. ગામમાં ઓછી વસ્તી છે છતાં પણ ગામ ઘણું રૂડું છે. બગદાણા ગામનું નામ સાંભળે એટલે ભક્તો રાજીના રેડ થઈ જાય. બજરંગદાસ બાપાએ આ બગદાણા ગામમાં સમાધિ લીધી હતી. સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં બગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને ‘સીતારામ સીતારામ’ રટતા.

માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે, જે દિવસે બાપાએ સમાધિ લીધી હતી એ દિવસે બગદ નદીના નીર પણ થંભી ગયા હતા. પવન પણ થંભી ગયો હતો અને બાપાના બગીચામાં રહેનારા પશુ-પંખી એ દિવસે બોલ્યાં પણ ન હતા. બગદાણા ધામમાં ઘણાં એવાં મંદિરો પણ જોવા જેવાં છે જેમ કે બજરંગદાસ બાપાનું મંદિર, બગદેશ્વર મહાદેવ મંદિર, બાપાનું સમાધિ મંદિર, ગાડી મંદિર, બગદ નદી. ખરેખર ત્યાંનું વાતાવરણ જોઇ એવું લાગે છે કે અહીંયા જ રોકાઇ જવાનું મન થયા કરે છે.  અહીં એવી પણ માન્યતા છે કે બાપા ભક્તોની માનતા પૂરી કરે છે અને અહીં આવવાથી તમારા ભવનો ફેરો પલટાઈ જશે.

બગદાણા જવા માટે  એસ.ટી. બસ મળે છે ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ધામમાં દર પૂનમે મેળો પણ ભરાય છે.

No comments:

Post a Comment