કારતક માસના વદ પક્ષની આઠમના દિવસે મધ્યાહ્ન કાળમાં ભગવાન કાલ ભૈરવજીનું અવતરણ થયું હતું. તેથી આ દિવસે કાલ ભૈરવ જયંતી મનાવવામાં આવ છે. શ્રદ્ધાળુ ભક્તો આ દિવસે વ્રત પણ રાખે છે. આ દિવસના દરેક પ્રહરમાં કાલ ભૈરવ અને ઈશાન નામના શિવની પૂજા કરવાનું અને અર્ધ્ય આપવાનું વિધાન છે. મધ્ય રાત્રિ પછી કાલ ભૈરવની પૂજા અર્ચના કરવામાં આવે છે. આખી રાત જાગરણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ભૈરવનું વાહન કૂતરો છે. તેથી આ દિવસે કૂતરાં ખાસ કરીને કાળા રંગના કૂતરાંની પણ પૂજા કરવામાં આવે છે.
આ દિવસના વ્રતનો ઉલ્લેખ શિવ પુરાણમાં વિસ્તારથી કરવામાં આવ્યો છે. કાલભૈરવને ભગવાન શિવજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે બપોરના સમયે શિવજીના પ્રિય ગણ ભૈરવનાથનો જન્મ થયો હતો. ભૈરવથી કાળ પણ ભયભીત રહે છે, તેથી તેમને કાલભૈરવ પણ કહે છે. ભારતમાં ભૈરવજીનાં ઘણાં મંદિરો છે, જેમાં કાશીમાં આવેલું કાલ ભૈરવ મંદિર જગપ્રસિદ્ધ છે.
ભૈરવજીનું વ્રત-પૂજન ગણેશજી, વિષ્ણુ ભગવાન, યમ, ચંદ્ર, કુંબેર વગેરેએ કર્યું હતું અને આ કાલ ભૈરવ જયંતીના વ્રતના પ્રભાવથી જ ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ બન્યા હતા, અપ્સરાઓને સૌભાગ્ય મળ્યું હતું અને ઘણાં રાજા ચક્રવર્તી બન્યા હતા. તેથી તેને સમસ્ત કામનાઓ પૂર્ણ કરતું વ્રત માનવામાં આવે છે.
ભૈરવજીના ઉપવાસ માટે આઠમ અથવા ચૌદશનો દિવસ જ્યારે રવિવાર કે મંગળવાર હોય તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આઠમના દિવસે સ્નાન કરીને પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કર્યાં પછી જો કાલ ભૈરવની પૂજા કરવામાં આવે તો ઉપાસકનાં તમામ સંકટો અને વિઘ્નો દૂર થાય છે. ભૈરવ મંદિરમાં ચઢાવવામાં આવેલા કાળા દોરાને ગળા અથવા બાવડા પર બાંધવામાં આવે તો તે વ્યક્તિ પર ભૂત-પ્રેત અને જાદૂ-ટોણા વગેરેની કોઈ અસર થતી નથી. શિવ પુરાણ, શતરુદ્ર સંહિતાના અધ્યાય-૮ અનુસાર ભગવાન શંકરે આ જ આઠમના દિવસે બ્રહ્માજીના અહંકારને નષ્ટ કર્યો હતો. તેથી આ દિવસ ભૈરવ અષ્ટમી તરીકે ઓળખાવા લાગ્યો.........
No comments:
Post a Comment