Saturday, 27 May 2017

દલિત મરો, ક્ષત્રિય મરો : માયાવતીની મતપેટી ભરો

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ક્ષત્રિયો અને દલિતો વચ્ચે છેલ્લા એક મહિનાથી ખૂનરેજી ચાલ્યા કરે છે. વર્ણભેદમાં દૃઢતાપૂર્વક માનતાં લોકોની ઉત્તર પ્રદેશ કે બિહારમાં કમી નથી અને તેથી દલિતો પરનો અત્યાચાર આમ બાબત ગણાય છે પણ સહારનપુરની હાલની ઘટનાઓમાં દાળમાં કંઈક કાળું જરૂર છે.
Image result for mayavati  or yogiji
યોગી આદિત્યનાથે મુખ્યમંત્રીની ખુરશી સંભાળ્યા બાદ આ ઘટના ઘટી છે. દરેક જણ જાણે છે કે આદિત્યનાથે ગુંડાઓ અને સમાજવિરોધી તત્ત્વો સામે ઝુંબેશ ચલાવી છે. ઉત્તર પ્રદેશના વરસોથી પેધી ગયેલા ગુંડા અને અરાજક તત્ત્વોથી આ સહન થતું નથી. તેઓ યોગીને નીચા દેખાડવા માટે મંડી પડયા છે.
માત્ર સહારનપુરની જ ઘટના નહીં, લૂંટફાટની ઘટનાઓ હમણાં ખૂબ વધી છે. ગુંડા તત્ત્વો યોગીને પડકાર ફેંકી રહ્યા છે અને ડરાવી રહ્યા છે. તેઓ પ્રમાણિક રાજ્યશાસનની તાકાત જાણતા હોતા નથી, પરિણામો અને પરિસ્થિતિ જાણતા હોય તો ગુંડાગીરી એમનો ધંધો જ ન હોય. આવાં તત્ત્વો સપામાં મબલક છે અને બસપામાં બેસુમાર છે.
યોગીનાં આગમનનો બીજો મોટો ફટકો માયાવતીને પડયો છે. આમેય નોટબંધીને કારણે મોટું નુકસાન સહન કરવું પડયું તેથી ભાજપ પર રીસે ભરાઈને ફરતાં હતાં. તેમાં સત્તાની દીવાનગીમાં સરી પડયાં. પક્ષના સાથી નેતાઓ સાથે પૈસાવસૂલી માટે જોરતલબી કરી તો મહત્ત્વનો સાથી ગુમાવવો પડયો. સત્તા માટે ઘડીકમાં બ્રાહ્મણો, ઘડીમાં મુસ્લિમો અને ઘડીમાં દલિતોની હોડીમાં બેસતાં માયાવતીને કોઈ સિદ્ધાંત કે વિચારધારા સાથે સ્નાન-સૂતકનો સંબંધ નથી. સત્તા અને પૈસા માટે દલિતોને અન્યાય કરવામાં એ પાછાં પગલાં ભરે એવાં નથી.
પાંચમી મેના રોજ ભારતીય જનતાપક્ષના નેતા રાઘવ લખનપાલ સરઘસ કાઢીને મહારાણા પ્રતાપની એક પ્રતિમા પર હાર ચડાવવા જઈ રહ્યા હતા. નાચગાન અને લાઉડસ્પીકરના ઘોંઘાટ વચ્ચે ક્ષત્રિયો અને હરિજનો વચ્ચે ઘર્ષણ થયું, તેમાં દલિતોનાં ૧૫ મકાનો અને પોલીસની ગાડી સળગાવી દેવાયાં. એ પછી ૨૪ એપ્રિલ, ૯ મે અને ૨૩ મેના રોજ ઝઘડા થયા હતા. ૨૪ એપ્રિલના રોજ શબ્બીરપુર ગામના હરિજનો આંબેડકરની પ્રતિમાની સ્થાપના કરી રહ્યા હતા ત્યારે એમને અટકાવવામાં આવ્યા હતા. ઝઘડામાં આજ સુધીમાં બે જણ મરણ પામ્યા છે, જેમાંના એકને ૨૩ મેના રોજ ગોળી મારી દેવામાં આવી હતી અને ૪૦ જણને ઈજા થઇ છે.
પ્રથમ ઝઘડા બાદ ભારે ઊહાપોહ થતાં મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તકેદારીનાં પગલાં લેવાયાં હતાં. છેલ્લી ઘટના બાદ યોગીની સંવેદનશીલ સરકારે જિલ્લાના જવાબદાર અધિકારીઓની બદલી અને બરતરફી કરી, એટલું ખરું કે પ્રથમ ઘટના બાદ ગોઠવાયેલી પોલીસ ગાફેલ રહી અને ફરીવાર કજિયા થયા.
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અહેવાલ મોકલવામાં આવ્યો છે તે મુજબ ૨૩મી મેના રોજ કેટલાંક તત્ત્વો માયાવતીની રેલીમાં હાજરી આપીને પાછા ફર્યા બાદ રાજપૂતો સાથે ઝઘડો થયો હતો. ગુપ્તચર અહેવાલ એમ પણ કહે છે કે માયાવતીના સગા ભાઈ અને બસપાના ઉપપ્રમુખ આનંદકુમારનો આ કજિયા પાછળ દોરીસંચાર હતો. રાજ્યનાં ગુપ્તચર તંત્રે એકઠી કરેલી માહિતી મુજબ ભીમ સેના નામનું એક સંગઠન આ ઝઘડા કરાવે છે અને આ સંગઠનને માયાવતી દ્વારા નાણાં પૂરાં પાડવામાં આવે છે.
માયાવતી આ ઝઘડામાં ખૂબ રસ લઇ રહ્યાં હતાં. સવાર સવારમાં સહારનપુરના દલિતો વચ્ચે પહોંચી જતાં હતાં. યોગીના દાવાઓને ખોટા પાડવા એમણે પડદા પાછળ રહીને ભૂમિકા ભજવી છે એમ ગુપ્તચરતંત્ર માને છે. માયાવતીએ ભીમ સેના જેવાં કોઈ સંગઠન સાથે સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે. ગુપ્તચરોનું કહેવું છે કે જે સમયે ઝઘડા થયા તેની અગાઉ ભીમ સેનાના એક હોદ્દેદાર જોડે આનંદકુમારે વારંવાર લાંબી લાંબી વાતો કરી હતી.
દલિતો એમના વિરોધીઓ કે રેહનુમાઓ વચ્ચે પ્યાદું બનીને રહી જાય છે. આઝાદીનાં આટલાં વરસ બાદ પણ દલિતોના નામે રાજનીતિ અને કાવતરાં ખેલાય છે. દલિતો હિંદુ ધર્મ ત્યાગ કરવાની ધમકી આપે, તે ઘટનાને ઘણા નિરીક્ષકો રાજકીય બ્લેકમેલ ગણાવે છે પણ જો તેઓને એવો વિચાર આવે તે હિંદુ ધર્મ માટે કોઇ શોભાની વાત નથી. છતાં યોગીએ ત્વરા બતાવી એવી ત્વરા ખુદ માયાવતીએ, મુલાયમે કે અખિલેશે ક્યારેય નથી બતાવી. અખિલેશનાં શાસનમાં બે દલિત યુવતીનાં શબ ઝાડ પર લટકતાં મળી આવ્યાં તેની સીબીઆઈ તપાસ માટે સમગ્ર મીડિયાએ, વિપક્ષોએ દિવસોના દિવસો સુધી કાગારોળ કરવી પડી હતી. યોગીએ શાંતિ સ્થાપવા રેપિડ એક્શન ફોર્સના ૪૦૦ જવાનોની કુમક બોલાવી લીધી છે. પ્રથમ વખત ઝઘડો થયા બાદ જે લોકોએ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાની કોશિશ કરી તેઓ કોઇની હત્યા કરાવીને ફાવી ગયા છે પણ યોગી કહે છે તેમ તેઓને દળી નાખવામાં આવશે.
કર્ણાટકમાં વિવાદ ચાલ્યો છે કે એક દલિતનાં ઘરે ભોજન રાખ્યું હતું તે માટે ભાજપના યેદીયુરપ્પા ગયા હતા તો તેમણે રેસ્ટરાંમાંથી ભોજન મગાવીને દલિતનાં ઘરમાં ખાધું.
જો આ સત્ય વાત હોય તો શરમજનક છે પણ લાગે છે કે આ કુપ્રચાર રાજકીય ધોરણે શરૂ થયો છે જેનો કોઇ પાયો નથી. જે આવું માનતો હોય તે રેસ્ટરાંનું પણ શું કામ ખાય? ત્યાં કોણે રાંધ્યું હશે? છતાં નેતાઓએ દલિતોનાં ઘરે જઇને ભોજન આરોગવાના તમાશા બંધ કરવા જોઇએ. દલિતો સમજે છે, તેઓ કોઇની મતબેન્ક બનીને મૂરખ બનવા માગતા નથી. માયાવતીને આ વખતે ઘરે બેસાડવામાં દલિતોની ભૂમિકા હતી.
ફોર્થ ડાઇમેન્શન : – વિનોદ પંડયા (sandesh)

No comments:

Post a Comment