લોકવાયકા અનુસાર, મહાભારતનું યુદ્ધ જ્યારે સમાપ્ત થયું હતું ત્યારે પાંડવો દુખી થઈ ગયા હતા. પોતાના જ સગાંઓને મારી નાખવાનું તેમણે પાપ કર્યું હતું એટલે એમનો આત્મા એમને ડંખતો હતો. તેથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણને મળવાનું નક્કી કર્યું અને તેમની આ સમસ્યાનો ઉકેલ લાવવાની તેમને વિનંતી કરી હતી. ભગવાને પાંડવોને એક કાળો ધ્વજ અને એક કાળી ગાય આપ્યા હતા અને એમને કહ્યું હતું કે તમારે આ ધ્વજ સાથે રાખીને ગાયની પાછળ જવું. જ્યારે આ ગાય અને ધ્વજ સફેદ થઈ જશે ત્યારે તમને માફી મળી ગઈ એમ સમજવાનું.
વધુમાં, ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને એવી સલાહ પણ આપી હતી કે તેમણે ભગવાન શંકરનું પ્રાયશ્ચિત તપ કરવું. પાંડવો ત્યારબાદ ગાયની પાછળ પાછળ, પેલો કાળ ધ્વજ લઈને ગયા હતા. જ્યારે તેઓ ગુજરાતના ભાવનગર નજીકના કોળિયાક ગામના સમુદ્રકિનારે પર પહોંચ્યા ત્યારે ગાય અને ધ્વજનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો હતો. એમણે ત્યાં ભગવાન શંકરની પૂજા-અર્ચના કરી હતી. ભગવાન શંકર પાંડવોની ભક્તિથી પ્રભાવિત થઈ ગયા હતા અને દરેક ભાઈ માટે લિંગના સ્વરૂપમાં ઉપસ્થિત થયા હતા. પાંચ સ્વયંભૂ લિંગ એ પાંચેય ભાઈઓની સામે આવી ગયા હતા અને આમ, તેને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.
નિષ્કલંકનો અર્થ એટલે સ્વચ્છ, શુધ્ધ અને નિરપરાધ. એવું કહેવાય છે કે પાંડવોએ ભાદરવા મહિનામાં અમાસની રાતે આ મંદિરની સ્થાપના કરાવી હતી. તેથી દર વર્ષે આ મંદિર ખાતે ભાદરવી મેળો યોજાય છે.
આ મંદિર-સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૩ કિલોમીટરના અંતરે આવેલું છે. કોળિયાક ગામથી આશરે ૩ કિ.મી. પૂર્વ તરફ સમુદ્રમાં સંકરની મૂર્તિનું સ્થાપન કરાયું છે. આ સ્થળે સુદ અથવા વદ એકમે સવારના ૯ થી બપોરના ૧૨ સુધી ત્યાં જઈ શકાય છે. પરંતુ ભરતીના પાણી હેઠળ આ સ્થળ ડૂબમાં જાય તે પહેલાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પાછા ફરવાનું હોય છે. ત્યાં દરેક લિંગને એક નંદી છે. ત્યાં એક તળાવ પણ છે જ્યાં ભક્તો ભગવાન શંકરની પૂજા કરતાં પહેલા પોતાના હાથ-પગ ધુએ છે.
આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત એ છે કે તે દરિયામાં વચ્ચે આવેલું છે અને દરિયાનાં મોજાં પણ તેની આસપાસ ઉછળતાં રહેતા હોય છે. ભકતો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરી આવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે.
લોકોનું માનવું છે કે મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
બીજી એક રસપ્રદ વાત એ છે કે મંદિર પર ચડાવાયેલો ધ્વજ ૩૬૪ દિવસ સુધી યથાવત્ રહે છે અને માત્ર મંદિરના મહોત્સવના દિવસે જ તેને બદલવામાં આવે છે. તે ધ્વજ ક્યારેય નીચે પડતો નથી કે સમુદ્રનાં મોજાંમાં ખેંચાઈ પણ જતો નથી.
આ મંદિરની મુલાકાત ખરેખર લેવા જેવી છે.
No comments:
Post a Comment