યોગને ત્રણ રીતે જોઈ શકાય. આધુનિક રીતે યોગને હોલિસ્ટિક થેરપી તરીકે જોઇ શકાય. બધા પ્રકારના શારીરિક અને માનસિક સમસ્યાનું નિરાકરણ કરી શકે તેવી થેરપી. બીજી રીત ઉપનિષદની છે, જેનું વિગતે વર્ણન ભગવદ ગીતામાં છે. અહીં યોગને બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક રીતે સાક્ષાત્કારના માધ્યમ તરીકે જોવામાં આવ્યો છે. ત્રીજી રીત છે સિદ્ધ યોગ, જેના દ્વારા અસહજ શક્તિઓ પ્રાપ્ત કરી શકાય છે. આ ત્રીજી રીત વિશે ભાગ્યે જ ચર્ચા થાય છે. પરંતુ હકીકત એ છે કે ભારતમાં પરંપરાથી યોગની આ ત્રીજી રીત જ સૌથી વધારે પ્રચલિત હતી.
જોગી એટલે હરતોફરતો સાધુ, ત્યાગી, સિદ્ધ, બાબા અને જાદુગર – બધું એકમાં જ આવી જાય. બ્રહ્મચર્યને કારણે તેને જાદુઇ તાકાત પ્રાપ્ત થયેલી ગણાતી અને ઇન્દ્રીયો પર તેનો કાબૂ ગણાતો. તેને સિદ્ધ જોગી કહેવામાં આવતો હતો. તેની પાસે વસ્તુઓનો આકાર બદલી નાખવાની, હવામાં ઉડવાની, પાણી પર ચાલવાની, હવામાંથી ભોજન પેદા કરવાની, પશુ-પક્ષીઓને કાબુ કરવાની, માંદાને સાજા કરવાની, સાપના ઝેરમાંથી બચાવવાની, વાંઝિયાને ઘરે પારણું બંધાવી આપવાની, ધરતીને ફળદ્રુપ કરી દેવાની, દેવ ને દાનવને હાજરાહજૂર કરી દેવાની અને મૃતકને જીવતા કરી દેવાની શક્તિ હોવાનું મનાતું. સિદ્ધ જોગી વાઘ, મોર કે બળદ પર બેસીને ફરતો હોય કે પછી શીખર પર ચઢીને સમાધીમાં બેઠો હોય કે ગુફામાં ધ્યાનમાં બેઠો હોય.
આજે આવી શક્તિની કોઈ જોગી વાત કરે તો તેને તાંત્રિક ગણવામાં આવે છે. આ તો સારો શબ્દ થયો. કેટલાક તો તેને ધૂતારો જ કહે. આમ છતાં લોકો આવા સિદ્ધ જોગીઓની શોધમાં બાવાની મઢીમાં અને આશ્રમોમાં ફરતા રહે છે, જાદુઇ રાખ શોધવા માટે ભટકતા રહે છે.
યોગ અને તંત્ર વચ્ચે ઘણી સમાનતા છે. તે બંને પુરુષ અને પ્રકૃત્તિ ભિન્ન છે તેમ માને છે. યોગમાં પ્રકૃત્તિને જડ માનવામાં આવે છે, જ્યારે તંત્રમાં પ્રકૃત્તિ ચેતન-સજીવ મનાય છે. પ્રકૃત્તિ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે. તેથી જ તેને શક્તિ કહેવામાં આવે છે, એટલે કે એક દેવી. જ્યારે યોગમાં તેને માયા તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી મુક્ત થવાનું હોય છે. તંત્રનો ઉપાસક કુદરત પર અને કુદરતી આવેગો પર કાબૂ કરવા માગે છે, જ્યારે યોગનો ઉપસાક કુદરતના બંધન અને આવેગોમાંથી મુક્ત થવાની એષણા રાખે છે. તેથી જ તાંત્રિક એક જાદુગર જેવો ગણાય છે, જ્યારે યોગીને આધ્યાત્મિક પુરુષ કે સાધક ગણવામાં આવે છે. જોકે આ બંને વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે.
તંત્ર અને યોગના રહસ્યો લોકો જાણી શક્યા તે માટે ગોરખનાથને જશ મળે છે. ગોરખનાથની પહેલા આ બધી જાણકારી ખાનગી જ રહેતી હતી. ફક્ત નાથ પંથીઓમાં ગુરુ દ્વારા શિષ્યોને જ આ રહસ્યો કહેવાતા હતા. નાથ પંથ વિશે હજી પણ રહસ્યો રહેલા છે, કેમ કે નાથ પંથીઓ હજીય મૌખિક પરંપરામાં માને છે એટલે તેમના વિશે જે કંઈ જાણકારી છે તે દંતકથાઓમાં જ છે.
નાથ સંપ્રદાયના સાધુઓ આજે પણ કાનમાં મોટો છેદ કરીને કુંડળ પહેરે છે. તેથી જ તેમને કાનફટા જોગીઓ કહેવાય છે. ગળામાં રુદ્રાક્ષની માળા હોય અને કમર પર ઉનની દોરી બાંધી હોય છે. હાથમાં બાજુ પર અને પગમાં પણ રુદ્રાક્ષની માળા વીંટાળેલી હોય. ભભૂત ચોળી હોય અને હાથમાં ત્રિશૂળ હોય. ચીમટો, ચલમ અને લોટો પણ હાથમાં જ હોય. બ્રહ્મચર્ય પાળનારા આ નાથ બાવાઓ એક જગ્યાએ લાંબો સમય રહે નહીં. યોગ દંડ બેસતી વખતે અને સૂતી વખતે કામમાં આવે. લોટાનો ઉપયોગ ભીક્ષા લેવા માટે અને સ્નાન બંને માટે થાય. ચલમમાં ગાંજો ભરીને પીવામાં આવે. ત્રીશૂળનો ઉપયોગ ધૂણીને ધખતી રાખવા માટે પણ થાય અને તેનાથી જ રાખ ચૂલામાંથી બહાર કાઢી શકાય. મૃત્યુ પછી નાથ બાવાને બેઠા હોય તેવી સ્થિતિમાં જ સમાધી આપવામાં આવે છે.
અલખ નિરંજન એવો પોકાર નાથ બાવાની ઓળખ છે. અલખ નિરંજન એટલે કોઈ લક્ષ વિનાનો, લક્ષણ વિનાનો કે કોઈ જાતના ડાઘ વિનાનો મનુષ્ય. અથવા તો કહો કે નિરાકાર ઇશ્વર. સંસારને તુચ્છ દૃષ્ટિથી જોનારા નાથ પંથમાં ઇશ્વરને કોઈ આકારમાં બાંધી દેવાતો નથી. તેથી જ મંદિરોની વિધિઓ, સાકાર ઇશ્વર, ખાણીપીણીના નિષેધ અને જ્ઞાતિ વ્યવસ્થામાં બંધાયેલા વૈષ્ણવ, શૈવ અને શાક્ત સંપ્રદાયના હિન્દુઓ નાથ પંથીઓને શંકાની નજરથી જોતા હોય છે.
કેટલાક નાથ જોગીઓને ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગલાદેશના મુસ્લિમોમાં પણ પીર તરીકે માનવામાં આવે છે. સ્થાનિક લોકો માટે પીરની દરગાહ એટલે આસ્થાનું સ્થાનક. સંસારની પીડાઓમાંથી મુક્તિની પ્રાર્થના લઇને સૌ કોઈ પીરની દરગાહે આવે.
– દેવદત્ત પટ્ટનાયક (ચિત્રલેખા)
No comments:
Post a Comment