Wednesday, 6 July 2016

દરેક ડેડીએ વાંચવા જેવો એક પિતાએ શિક્ષકને લખેલો પત્ર...

આજથી લગભગ ૧૬૦ વર્ષ અગાઉ એક પિતાએ પોતાના વહાલસોયા નાનકડા દીકરાની શાળાના શિક્ષકને પત્ર લખી તેને ચારિત્ર્યવાન વ્યક્તિ બનાવવાની તાલીમ આપવાની વિનંતી કરી હતી. મોડર્ન ડેડી-મોમને પોતાના દીકરા- દીકરીની શાળાના શિક્ષકને મળવાનીય ફુરસદ નથી. એવું નથી કે આજના માતા-પિતા તેમના પ્રોફેશનમાં નોકરીમાં કે બિઝનેસમાં અતિશય વ્યસ્ત થઇ ગયા છે. મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવા માટે, હિલ સ્ટેશને આઉટિંગ માટે, બેડમિન્ટન કે ગોલ્ફ રમવા માટે કે મિત્રો સાથે પાર્ટી માટે તેઓ ગમે તે રીતે સમય કાઢી શકે છે.

૧૬૦ વર્ષ અગાઉ એક એવા પિતા થઇ ગયા કે જે પોતાના લાડકા દીકરાને કોઇ મોટો ડોક્ટર કે એન્જિનિયર બનાવવાની મહેચ્છા રાખવાના બદલે એ બાળક મોટું થઇને, એક સર્વાંગ સંપૂર્ણ સજ્જન માનવી બને તેવી ઇચ્છા રાખતા હતા, અને એટલે જ તેમના દીકરાને જ્યારે શાળામાં મુકવાનો વખત થયો ત્યારે તેના શિક્ષકને જે પત્ર પાઠવ્યો હતો તે આજે ૧૬૦ વર્ષે પણ એટલું જ મહત્વ ધરાવે છે, જેટલું એ પત્રનું તે સમયમાં મહત્વ હતું. વાસ્તવમાં એ સમય કરતાં આજે આ પત્રની પ્રસ્તુતતા અને અગત્યતા અનેકગણી વધી ગઇ છે.
એ દીર્ઘદ્રષ્ટા અને આદર્શવાદી પિતા હતા, અબ્રાહમ લિંકન- અમેરિકાના ૧૬માં પ્રમુખ અને અત્યંત વિચારવંત સુધારાવાદી રાજપુરૃષ.આ વિશ્વ વિખ્યાત વિભૂતિ પોતાના પુત્રને મોટો નેતા કે નામાંકિત ડોકટર કે બિઝનેસમેન નહી, પણ એક સારો માણસ બનાવવાની મહેચ્છા રાખતા હતા.

જે પુસ્તકનો સારાંશ બાળઉછેરના અગાઉના ત્રણેક લેખમાં અપાયો, તે  ‘52 brilliant ideas' પુસ્તકમાં આ પત્રની વાત નથી, પરંતુ આ પત્રનું લખાણ એટલું હૃદયસ્પર્શી અને આદર્શમય છે કે પોતાના બાળકનો સર્વાંગી વિકાસ ઝંખતા દરેક ડેડીએ આ પત્ર વાંચવો અતિ આવશ્યક છે, એટલે જ પ્રસ્તુત પુસ્તકમાં આ પત્રની વાતનો ઉલ્લેખ ન હોવા છતાં પત્રનો મહત્વનો સારાંશ આ લેખમાં સમાવાયો છે.
અબ્રાહમ લિંકને તેમના નાનકડા દીકરાના શાળા પ્રવેશના પહેલા જ દિવસે તેના શિક્ષકને લખેલો પત્ર બાળક ઉછેરમાં ખાસ કાળજી રાખતા દરેક માતાપિતાએ વાંચવા જેવો છે. ૧૬૦ વર્ષ અગાઉ લખાયેલા એ પત્રના કેટલાક અંશ...

''મારા પુત્ર માટે શાળા પ્રવેશનો આજે પહેલો દિવસ છે. થોડો વખત તેને બધું અજાણ્યુ અને નવુ નવુ લાગશે. હું આશા રાખું છુ કે તમે સાલસ અને સૌમ્યરીતે એને બધુ શીખવશો.
દુનિયામાં બધાજ માણસો ન્યાયપ્રિય કે સત્યવાદી નથી હોતા, એ વાત તો મારો દિકરો મોટો થશે એટલે સમજશે જ. પણ તમે એને એ શીખવજો કે દુનિયામાં દુર્જનોની સાથોસાથ ઉમદા માણસો પણ હોય છે. દુષ્ટ રાજકારણીઓની સાથો સાથ એટલી જ સંખ્યામાં નિષ્ઠાવાન નેતાઓ પણ હોય છે. તમે અંતે ખાસ એ પણ શીખવજો કે દુનિયામાં દુશ્મનો હોય છે, પણ સાથોસાથ દોસ્તો પણ ઓછા નથી હોતા.
મને ખબર છે કે આ બધું શિખવવામાં સમય લાગશે, પરંતુ તમે એને શીખવી શકો તો એ ખાસ શીખવજો કે મફતના એક ડોલર કરતાં મહેનતનો એક સેન્ટ (પૈસો) વધુ કિંમતી છે. એને પરાજય પચાવવાનું અને જીત માણવાનું શીખવજો. ઇર્ષાથી તેને શક્ય તેટલો દુર રાખજો.

શાળામાં એને શીખવજો કે છેતરપિંડીથી કે ચોરી કરીને પાસ થવા કરતાં નપાસ થવું વધુ ગૌરવપ્રદ છે. દુઃખમાં શી રીતે હસતા રહેવું એ તેને શીખવજો.જ્યારે બીજા બધા જ ટોળાને અનુસરતા હોય ત્યારે મારા દીકરાને, બને તો ટોળાને નહી અનુસરવાની શીખામણ અને તાકાત આપજો.
સૌની વાત સાંભળવાનું એને શીખવજો, પણ સાંભળેલી વાતોમાંથી સત્યના ગળણે ગાળેલી વાતો જ તેના મનમાં ઉતારે એવું ખાસ શીખવજો.
જ્યારે બીજા બધા જ કહે કે તારા આઇડિયા ખોટા છે, તેવા સંજોગોમાં તેને ખુદના આઇડિયામાં શ્રધ્ધા રાખવાનું શીખવજો. સજ્જનોની સાથે સૌમ્ય પરંતુ દુર્જન સાથે કડક રહેવાનું તેને શીખવજો.
તેને હંમેશા ઇશ્વરમાં શ્રધ્ધા રાખવાનું શીખવજો, પોતાની જાતમાં પણ શ્રધ્ધા રાખવાનું તેને શીખવજો કારણ ઇશ્વરમાં અને પોતાની જાતમાં એ શ્રધ્ધા રાખવાનું શીખશે તો સદાય માનવજાતમાં તેને શ્રધ્ધા રહેશે.
આ પત્રમાં અબ્રાહમ લિંકને  પોતાના દીકરાના શિક્ષકને અત્યંત વિનમ્રતાથી લખેલી વાતોનો સારાંશ કેવળ એટલો જ છે કે તમે મારા પુત્રને એવી તાલીમ આપજો, એવું શિક્ષણ આપજો કે મોટો થઇને તે એક સાચુકલો ઇન્સાન બને, એક આદર્શ આદમી બને અને તેની જીવન સફર એવી રીતે પરિપૂર્ણ કરે કે તેના જીવતરની મહેંક ચોતરફ ફેલાઇ જાય.

તમારા લાડકવાયામાં બાળપણથી જ સંસ્કારોનું સિંચન કરવા માટે તમે અબ્રાહમ લિંકનની જેમ જાગૃત રહેજો. ગુજરાતીમાં સરસ કહેવત છે ઃ કુમળો છોડ વાળીએ તેમ વળે. કહેવતનો મતલબ એ છે કે બાળકોને શરૃઆતથી જ શિસ્ત અને સંયમ, આદર અને વિવેક, પ્રમાણિકતા અને નૈતિક મૂલ્યો, સત્ય અને સાદગીના સંસ્કારોના બીજ રોપશો તો બાળક જેમ મોટું થતું જશે, તેમ તેનામાં આ સંસ્કારો વધુને વધુ દ્રઢ થતા જશે.
દરેક માતા પિતા તેમના બાળકને સૌથી વધુ સુખ મળે એવી અપેક્ષા રાખતા હોય છે. તેને સારામાં સારી સ્કુલ, સારામાં સારા કપડા, અને રમકડાં, સારૃં ભોજન અને અન્ય સારી સગવડો આપવા માટે વાલીઓ પ્રયાસ કરતાં રહે છે. પણ પોતાના બાળકો પ્રત્યેનો કોઇ વાલીનો પ્રેમ શું એટલી હદે રેલાયો કે તેમણે અબ્રાહમ લિંકનની જેમ બાળકના શિક્ષકનો સંપર્ક કરી તેને આદર્શ મનુષ્ય બનવાની તાલીમ આપવાનું સૂચન કર્યું હોય....! એક પિતા તરીકે તમે ક્યારેય તમારા લાડકા સંતાનના શિક્ષક પાસે આવી માંગણી મુકી છે ખરી ?

અગાઉના સમયમાં તરતના જન્મેલા શિશુને ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ નાની ચમચીથી પીવડાવાતું હતું. આજે પણ કદાચ ઘણાં પરિવારોમાં આ પરંપરા ચાલુ હશે. નવજાત શિશુને અપાતા આ મિશ્રણને માટે ગુજરાતીમાં શબ્દ છે : ગળથૂથી.
તમારા સંતાનને 'ગળથૂથી'થી જ એવી માવજત કરો કે તેનામાં સહજતાથી જ સારા મૂલ્યોનું સિંચન થતું રહે. બાળ ઉછેરમાં એક ખાસ મુદ્દો ફરી દોહરાવું છું કે ઘરમાં ડેડી- મોમનું આચરણ જ એવું હોવું જોઇએ કે બાળકનું આપોઆપ જ  આદર્શ ઘડતર થાય.
તમે ઘરમાં ઘાંટા પાડીને બોલો, ફોન પર વાત કરતી વખતે અસભ્ય ભાષા પ્રયોગ કરો, જુઠું બોલો, કે પડોશી સાથે સારી રીતે ન વર્તો, ઘેર આવેલા મિત્રો સાથે છળકપટની કે ભ્રષ્ટ રીતરસમની વાતો કરો તો, ભલે બાળકને બધી સમજ ન પડે, પણ જાણે અજાણ્યે એના માનસપટમાં આ બધુ અંકિત થતું રહે છે. અંગ્રેજીમાં એક સચોટ કથન છે કે, 'પ્રેકટીસ ઇઝ બેટર ધેન પ્રિચીંગ, સલાહ- શિખામણ કરતાં જાતે અમલમાં મુકવું બહેતર છે.

બાળ કેળવણી ક્ષેત્રે જેમનું પ્રદાન મોટું છે અને 'બાળકોની મુછાળી મા'ના હુલામણા નામથી જાણીતા ગિજુભાઈ બધેકાએ અત્યંત વેધક અને ચોટદાર રીતે લખ્યું છે કે યુવાન લોકો કોઈપણ તૈયારી વિના મા-બાપ બની બેસે છે. પરિણામે તેમના કુમળા ફૂલને જતનથી સાચવવાનું અને સંભાળવાનું તેમનામાં આવશ્યક જ્ઞાાન નથી હોતું. બાળકને બુદ્ધિના વિષયો શીખવીએ તે પહેલાં હૃદયના વિષયો શીખવવા જોઈએ. બાળકનું હૃદય સારી રીતે વિકસ્યું હશે તો તેની બુદ્ધિ તેને સારા માર્ગે જ લઈ જશે.

યુવાન-યુવતીઓ એક વાત તેમના મનમાં ભારપૂર્વક યાદ રાખે કે મા-બાપ થવું સહેલું નથી..

તમારો લાડકવાયો તમારા ભવિષ્યનો આધારસ્તંભ છે. તેના ઘડતરમાં જરાય કચાશ ન રાખશો. તેની બાહ્ય જરૃરિયાતોની સાથો સાથ તેની આંતરિક જરૃરિયાતોનો પણ ખાસ ખ્યાલ રાખજો. બાળ માનસને સલુકાઇથી અને નજાકતથી કેળવજો. તમારા ઉજળા ભવિષ્ય માટે અને તમારી પાછલી જિંદગીની સાચી શાંતિ માટે જ નહી પણ તમારે સમાજને એક આદર્શ નાગરિક આપવાનો છે, એવી ઉચ્ચ ભાવનાથી બાળ ઉછેરનું પરમ કર્તવ્ય બજાવશો એવી અભ્યર્થના.....

વિનોદ ડી. ભટ્ટ

No comments:

Post a Comment