Thursday, 4 December 2014

પાંચ પક્ષોનું આજે વિલિનીકરણઃ રચાશે ‘સમાજવાદી જનતા દળ'

મોદીના મુકાબલા માટે સપા, રાજદ, જેડીયુ, જેડીએસ, આઇએનએલડીએ શષાો સજાવ્‍યાઃ આજે મુલાયમના નિવાસે બેઠકમાં ઔપચારિકતા પુરી કરાશેઃ ૧૯૯૦માં જનતા પાર્ટીથી અલગ થયેલા પક્ષો પાછા એકઠા થયાઃ મહાગઠબંધન-નવા પક્ષના બોસ બનશે મુલાયમઃ મોદી વિરૂધ્‍ધ જોરદાર આંદોલન છેડશે

પાંચ પક્ષોનું આજે વિલિનીકરણઃ રચાશે ‘સમાજવાદી જનતા દળ'

નવી દિલ્‍હી તા.૪ : મોદીના મુકાબલા માટે મહામોરચો બનાવવાની કવાયત હવે વેગવંતી બની છે. આ સીલસીલામાં આજે સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવના દિલ્‍હી સ્‍થિત નિવાસે જુના જનતાદળની એક બેઠક મળી રહી છે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે આ ત્રીજા મોરચાનું નામ ‘સમાજવાદી જનતા દળ' રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની મજબુત થતી સ્‍થિતિ અને કોંગ્રેસની રાજકીય હાલત કફોડી બનતા વિપક્ષનું હથિયાર મજબુત બનાવવા માટે જનતાદળના જુના સાથીઓ હવે એકતા કેળવી રહ્યા છે. ૧૯૯૦માં સત્તાધારી જનતા પાર્ટીથી અલગ થયેલ પાંચ પ્રાદેશિક પક્ષો આજે વિલયની જાહેરાત કરી શકે છે. હાલ જે પક્ષોના વિલયની સંભાવના છે તેમાં મુલાયમની સમાજવાદી પાર્ટી, લાલુપ્રસાદની આરજેડી, ઓમપ્રકાશ ચૌટાલાની આઇએનએલડી, નીતિશકુમારની જેડીયુ અને દેવગૌડાની જેડીએસનો સમાવેશ થાય છે.
   આ બધા પક્ષોના નેતાઓ આજે અહી મુલાયમના નિવાસે એકઠા થયા છે અને વિલયના પ્રસ્‍તાવ ઉપર મહોર લગાવતા એક નવા પક્ષની રચના કરશે. આજની બેઠકમાં આ નેતાઓ વિલયની ઔપચારિકતાઓને પુરી કરવા માટે એક સમય સીમા નક્કી કરશે. એવી સંભાવના છે કે, મુલાયમસિંહ નવી પાર્ટીના નેતા બનશે. જયારે શરદ યાદવ, નીતિશ, અભય ચૌટાલા અને દેવગૌડા મહત્‍વના પદ સંભાળશે.
   ચૌધરી અજીતસિંહનો પક્ષ આરએલડી અને નવીન પટનાયકનો પક્ષ બીજેડી આ ગઠબંધનથી દુર રહેશે. જનતા પરિવારથી અલગ થયેલ અને આ ગઠબંધનમાં સામેલ નહી થનાર બીજેડી ઓરિસ્‍સામાં લાંબા સમયથી સત્તામાં છે.
   આ મહાગઠબંધન થતા જ સમગ્ર દેશમાં મોદી સરકાર વિરૂધ્‍ધ આંદોલન ચલાવવાની યોજના પણ છે. સરકાર વિરૂધ્‍ધ આંદોલનમાં નવો પક્ષ કોંગ્રેસ, તૃણમૂલ અને ડાબેરીઓ સહિત સમાન વિચારધારા પક્ષોને પણ સાથે રાખવાની જાહેરાત કરશે. ખાસ વાત એ છે કે, વિલય બાદ નવા પક્ષ પાસે કોંગ્રેસ પછી રાજયસભામાં સૌથી વધુ સભ્‍યોની સંખ્‍યા થઇ જશે. આનાથી ભાજપની મુશ્‍કેલીમાં વધારો થશે.
   આ મહાગઠબંધન ભાજપ અને મોદી વિરૂધ્‍ધ લોકોને મજબુત વિકલ્‍પ આપવાનો પ્રયાસ કરશે. મોરચો બનાવવા માટે અગાઉ ૮મી નવેમ્‍બરે આ નેતાઓની બેઠક યોજાઇ હતી. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે હાલ ત્રીજા મોરચામાં જે લોકો છે તે બધા જુના જનતાદળ પરિવારના છે. આ સંભવિત ત્રીજો મોરચો દિલ્‍હીમાં આમ આદમી પાર્ટીને ટેકો આપવા પણ વિચાર કરશે.

No comments:

Post a Comment